અમરનાથ યાત્રાની સુરક્ષા માટે CRPFની ડોગ સ્કવોડ તહેનાત કરાશે

ઉધમપુરઃ અમરનાથ યાત્રા પહેલાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળ (CRPF)એ ઉધમપુર જિલ્લાની અલગ-અલગ જગ્યાએ વિશેષ ડોગ સ્કવોડને તહેનાત કરી છે. 62 દિવસીય અમરનાથ યાત્રાનો પહેલી જુલાઈ પહેલગામમાં નુનવાન અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલટાલના બે પરંપરાગત માર્ગોથી શરૂ થશે.

CRPFમાં 137 બેટેલિયનના કમાન્ડટ રમેશકુમારે કહ્યું હતું કે અમે અમરનાથ યાત્રા દરમ્યાન તીર્થયાત્રીઓની સુરક્ષા માટે અહીં તહેનાત છીએ. તીર્થયાત્રીઓએ ડરવાની કોઈ વાત નથી. અમે અહીં અમારું કામ ગણી તકેદારી સાથે કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં અમરનાથ યાત્રા માટે તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરી હતી. દક્ષિણ કાશ્મીરમાં 3880 મીટર ઊંચા ગુફા મંદિરની 62 દિવસની તીર્થ યાત્રા એક જુલાઈથી શરૂ થઈને 31 ઓગસ્ટ સુધી ચાલશે.

એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બાલટાલની મુલાકાત લીધી હતી અને બાલટાલ માર્ગથી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જમ્મુના ઉપાયુક્ત અવની લવાસાએ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની સાથે યાત્રી નિવાસ, જમ્મુ રેલવે સ્ટેશન,વૈષ્ણવી ધામ, સરસ્વતી ધામ અને પંચાયત ભવનની મુલાકાત લીધી હતી.

તેમણે રજિસ્ટ્રેશન કાઉન્ટરો, આવાસ કેન્દ્રો અને યાત્રી નિવાસમાં આવાસ, સુરક્ષા, વાઇફાઈની સ્થાપના, વીજળી અને પાણીની વ્યવસ્થા, સાફસફાઈ અને સ્વચ્છતા અને આરોગ્યની સુવિધા સહિત અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગોને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો કે તીર્થયાત્રીઓને પાયાની સુવિધાની અછતને કારણે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. ગયા વર્ષે 3,45 લાખ લોકોએ પવિત્ર ગુફાનાં દર્શન કર્યાં હતાં અને આ વર્ષે એ સંખ્યા વધીને પાંચ લાખ સુધી જવાની શક્યતા છે.