વાઇરલ વિડિયો પછી કેમ્પ્ટી ફોલમાં નિયમો સખત બનાવાયા

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર જેવી ઓછી થઈ, તેવી જ લોકો મજા માણવા પહાડોમાં જતા રહ્યા હતા. ઉત્તરાખંડ સરકારે ગુરુવારે મસૂરીમાં ‘કેમ્પ્ટી ફોલ્સ’ની યાત્રા કરવા માટે પર્યટકોની સંખ્યા પર મર્યાદા લાદી હતી. ઉત્તરાખંડની મસૂરી મશહૂર કેમ્પ્ટી ફોલનો વિડિયો છેલ્લા થોડા દિવસોથી વાઇરલ થયો હતો, જ્યાં ઝરણાની નીચે સેંકડો લોકો સાથે નાહી રહ્યા હતા અને કોરોનાનો બધો ડર ભૂલી ગયા હતા.

કેમ્પ્ટી ફોલ્સના વિડિયોમાં કેટલાય લોકોએ માસ્ક નહોતાં પહેયાં અને સામાજિક અંતરના લીરેલીરા ઉડાડ્યા હતા. જોકે હવે મસૂરી વહીવટી તંત્રના આદેશ મુજબ મહત્તમ 50 ટુરિસ્ટોને એકસાથે સ્નાન કરવાની મંજૂરી હશે. જિલ્લા મેજિસ્ટ્રેટ ઇવા આશિષ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ જિલ્લા વહીવટી તંત્રએ કોરોના રોગચાળાને જોતાં સવચેતીરૂપે એ નિર્ણય લીધો હતો. જિલ્લાધિકારીએ કહ્યું હતું કે લોકોને બહાર નીકળવા માટે અને સમય જણાવવા માટે એર હોર્ન વગાડવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિને સ્નાન કરવા માટે 30 મિનિટનો સમય આપવામાં આવશે.

વિવિધ પ્રવાસ સ્થળોમાં કુલદી બજાર અને મોલ રોડ જેવાં સ્થળોએ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. નૈનિતાલમાં પણ એ સ્થિતિ જોવા મળી હતી, જેમાં સેંકડો લોકો  દ્વારા કોરોના પ્રોટોકોલનો ભંગ જોવા મળ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરનું જોખમ છતાં ખાનગી વાહનો, ગિરદી જેવાં પ્રવાસન સ્થળોએ લાંબી લાઇનોના વિડિયો અને ફોટોએ અલાર્મ વગાડી દીધો હતો.

હાલમાં જ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ પ્રકારના એક વિડિયોમાં એક નાના છોકરો ધર્મશાળામાં ભીડવાલા રસ્તા પર ચાલતા અને વિના માસ્કના ફરી રહેલા બધા લોકોને ખખડાવતા નજરે ચઢ્યો હતો. આ વિડિયોને પહેલાં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો.