નવી દિલ્હીઃ અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ દેશભરમાં વિવિધ સંગઠનોએ ભારત બંધનું આહવાન કર્યું છે. કેટલાક વિરોધ પક્ષો સહિત કેટલાંક સંગઠનો પણ એના વિરોધમાં છે.
રાજસ્થાનમાં ભારત બંધને જોતાં કેટલાય જિલ્લાઓમાં સ્કૂલોમાં રજા આપવામાં આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં પોલીસ એલર્ટ પર છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંધ સવારે છ કલાકથી સાંજે છ કલાક સુધી રહેશે, જે દરમ્યાન બધી દુકાનો, સ્કૂલો અને કોલેજ બંધ રહેશે. રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલારૂપે સ્કૂલો અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યાં છે.
ભારત બંધ દરમ્યાન પટનામાં હંગામો થયો છે. અહીં બંધ સમર્થકો અને પોલીસ વચ્ચે ટક્કર થઈ છે. પોલીસે લાઠીચાર્જ કર્યો છે. બંધ સમર્થકો ગાંધી મેદાનમાં આગળ વધી રહ્યા છે. પટનામાં બંધના સમર્થનમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા છે. આ લોકો બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, ત્યાર બાદ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
ભારત બંધમાં સમાજવાદી પાર્ટી, આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ), BSP, બિહારમાં RJD, ભીમ આર્મી, ભારત આદિવાસી પાર્ટી, LJP (R), આ બંધને સમર્થન કરી રહી છે. ભારત બંધને લીધે ઝારખંડમાં કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ચક્કાજામ કરી દીધો છે. આ ઉપરાંત બિહારના પટના અને આરામાં જોવા મળી છે, જ્યાં રેલવે ટ્રેક પર પ્રદર્શનકારીઓ ઊતરી ચૂક્યા છે, જ્યારે જહાનાબાદમાં પ્રદર્શનકારોએ નેશનલ હાઇવે 83ને બ્લોક કરી દીધો છે. અહીં બસ સર્વિસને પણ અસર પડી છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) એ કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે તેમ તેને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માગ કરી હતી.
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું છે. જેએમએમએ તેના તમામ નેતાઓ, જિલ્લા પ્રમુખો, સચિવો અને જિલ્લા સંયોજકોને આ હડતાળમાં ભાગ લેવા જણાવ્યું છે.