નવી દિલ્હીઃ ભાજપ અને આમ આદમી પાર્ટીનું મફતની ‘રેવડીનું યુદ્ધ’ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવતાં જણાવ્યું હતું કે ભાજપ જેમ દાવો કરે છે છે એમ શિક્ષણ, આરોગ્ય વગેરે જનકલ્યાણકારી યોજનાઓ પરના ખર્ચને ‘રેવડી’ અથવા ‘મફત’ માની ના શકાય. પાર્ટીએ ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કેટલીક પાર્ટીઓ ચૂંટણી કેટલાક લોકોને પહેલાં દેવાં માફી અને કર રાહત આપવાનાં વચન આપે છે, -એને મફત માનવી જોઈએ. વળી, કેટલીક પાર્ટીઓ ચૂંટણી પહેલાં વચનો આપે છે,પણ સરકાર બન્યા પછી કંઈક જુદું જ ચિત્ર ઊપસી આવે છે, એમ પાર્ટીએ પિટિશનમાં જણાવ્યું હતું.
પાર્ટીએ વડા પ્રધાન મોદી પર તીખો હુમલો કરતાં જણાવ્યું હતું કે ભાજપે (2014)ની ચૂંટણી પહેલાં વડા પ્રધાને દરેક ભારતીયને રૂ. 15 લાખ આપવાનું કહ્યું હતું, પણ તેમણે સરકાર બન્યા પછી થોડાક લોકોના રૂ. 10 લાખ કરોડ માંડી વાળ્યા હતા.
દિલ્હીના CM અને આપ પાર્ટીના સંયોજક અરવિંધ કેજરીવાલે PMના ‘મફત રેવડી’ વહેચવાના નિવેદન મુદ્દે નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે રેવડીની મફત વહેંચણી કરીને મતદારોને લલચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. વડા પ્રધાને મફત ‘રેવડી’ મુદ્દે મતદારોને ચેતવ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્યની સુવિધા મફત આપવી એ ‘રેવડી કલ્ચર’ નથી.