મુંબઈઃ ભારતમાં આ વખતે ચોમાસાનો વરસાદ કેટલેક ઠેકાણે અપૂરતો પડ્યો છે. મુંબઈમાં પૂરતો થઈ ગયો છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં 97 ટકા જેટલું એટલે કે એક આખું વર્ષ ચાલે એટલું પાણી જમા થઈ ગયું છે. હવે આ વખતના ચોમાસાની વિદાય વિશે ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી છે.
ચોમાસાની વાપસી યાત્રાનો આરંભ પશ્ચિમ રાજસ્થાનમાંથી શરૂ થશે. ત્યાં ચોમાસું 25 સપ્ટેમ્બરથી સમાપ્તિની યાત્રા શરૂ કરે એવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રમાં ચોમાસું થોડુંક મોડું વિદાય લેશે એટલે કે, 5-8 ઓક્ટોબરથી એની વિદાય સફર શરૂ થશે.
મહારાષ્ટ્રમાં હજી બે દિવસ સુધી મુસળધાર વરસાદ પડવાની આગાહી છે. ઓક્ટોબર સુધી વરસાદનું પ્રમાણ યથાવત્ રહેવાની ધારણા છે. આજે પણ મુંબઈ, પુણે અને કોકણ સમુદ્રકાંઠા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. મુંબઈમાં જૂન મહિનો કોરો ગયા બાદ જુલાઈમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ મહિનો કોરો ગયો હતો, પણ સપ્ટેમ્બરમાં વરસાદે ફરી ઘણું કવર કરી લીધું હતું.