મુંબઈઃ આ શહેરમાં 1993 જેવા બોમ્બ ધડાકા કરવાની એક અજ્ઞાત ઈસમે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરીને ધમકી આપતા સમગ્ર તંત્ર સતર્ક બની ગયું છે.
બોમ્બ બ્લાસ્ટ્સની ધમકી આપતો છેલ્લા અમુક દિવસોમાં આ બીજો ફોન આવ્યો છે. મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમને શનિવારે રાતે બીજો ફોન આવ્યો હતો અને એમાં ધમકી આપવામાં આવી હતી કે શહેરના માહિમ, ભીંડી બજાર. નાગપાડા વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આવતા બે મહિનામાં આ વિસ્ફોટ કરવામાં આવશે. વિસ્ફોટના ષડયંત્રમાં કોંગ્રેસ વિધાનસભ્ય સામેલ હોવાનું પણ ફોન કરનારે કહ્યું હતું. પોલીસે આને ગંભીર ગણ્યો છે અને તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના જવાનોએ આ કેસમાં મલાડ (પૂર્વ)ના પઠાણ વાડી વિસ્તારમાંથી એક શકમંદને અટકમાં લીધો છે.