દિલ્હીમાં દોઢસો આફ્રિકી-નાગરિકોએ પોલીસો પર હુમલો કર્યો

નવી દિલ્હીઃ 100 જેટલા આફ્રિકન નાગરિકોના એક હિંસક ટોળાએ ગઈ કાલે અહીં પોલીસો પર હુમલો કર્યો હતો અને એમના ત્રણ સાથી નાગરિકોને છોડાવ્યા હતા. એ ત્રણ આરોપી એમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા એટલે પોલીસો એમને પકડવા ગયા હતા. કેફી દ્રવ્યના દૂષણ વિરોધી વિભાગના અધિકારીઓ સ્થાનિક પોલીસોની સાથે મળીને જ્યારે નેબ સરાઈ વિસ્તારના રાજુ પાર્ક ખાતે ગયા હતા ત્યારે આફ્રિકન નાગરિકોએ ઊલટાનું પોલીસો પર હુમલો કર્યો હતો. તે છતાં પોલીસો ચાર હિંસાખોરોને પકડવામાં સફળ થયા હતા.

તે ઘટના ગઈ કાલે બપોરે બની હતી. પોલીસો ત્રણ નાઈજિરીયન નાગરિકને પકડવા ગયા હતા ત્યારે ત્યાં 100 જેટલા આફ્રિકી દેશોના નાગરિકો એકત્ર થયા હતા. એમણે પોલીસોને અટકાવ્યા હતા. પોલીસો બાદમાં સાંજે 6.30 વાગ્યે પણ રાજુ પાર્ક ખાતે ગયા હતા અને કેન ચુકવૂ ડેવિડ વિલિયમ્સ નામની એક મહિલા સહિત ચાર આફ્રિકી નાગરિકની ધરપકડ કરી હતી. આ તમામની સામે આઈપીસીની વિવિધ કલમો તથા વિદેશી કાયદાની કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. એમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે. એ વખતે ત્યાં દોઢસોથી 200 જેટલા આફ્રિકન નાગરિકો ભેગા થઈ ગયા હતા. એમણે પોલીસોની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસોએ ઉશ્કેરાયેલા વિદેશીઓને સમજાવ્યા હતા અને ચાર જણને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. અન્ય ત્રણ નાઈજિરિયનના નામ છે – ઈગ્વે ઈમેન્યુએલ ચીમેઝી, એઝિગ્બે જોન અને ક્વીન ગુડવિન.