જોશીમઠમાં વિકાસલક્ષી બાંધકામો અટકાવી દેવાયા; અસરગ્રસ્ત પરિવારોનું સ્થળાંતર

જોશીમઠઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગર, જેને બદ્રીનાથ ધામનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે, ત્યાં હાલ વ્યાપક પણે વિકાસકાર્યો ચાલી રહ્યા છે. એને કારણે જોશીમઠમાં ઠેરઠેર જમીન ધસી પડવાની, અનેક ઘરો, મકાનો, ખેતરોમાં તેમજ રસ્તાઓ પર તિરાડો પડવાની ઘટનાઓ બની રહી હોવાનું કહેવાય છે. આ ઘટનાઓને કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર ધામીએ ગઈ કાલે જોશીમઠના ભૂસ્ખલનવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું જાતે જ મૂલ્યાંકન કર્યું હતું. તેઓ અસરગ્રસ્ત પરિવારોનાં લોકોને પણ મળ્યા હતા અને એમની સમસ્યાઓની વ્યક્તિગત રીતે જાણકારી મેળવી હતી.

એમણે કહ્યું છે કે, ‘દરેક જણને સુરક્ષિત રાખવાના અમારા પ્રયાસો છે. જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. અમારું પહેલું કામ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં લઈ જવાનું છે. એમનું સ્થળાંતર કરીને પુનર્વસન કરવામાં આવશે. અમે એ માટેનું સ્થળ શોધી રહ્યા છીએ. હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે તેથી અમે બધું કામ ઝડપથી કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 38 પરિવારોનાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવામાં આવ્યા છે.’

‘સાવચેતીના પગલા તરીકે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોની ટૂકડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી છે. તિરાડો પડવા પાછળના કારણો શોધી કાઢવા માટે અમે આઈઆઈટી-રુડકી તથા ઈસરો સહિતની અન્ય સંસ્થાઓ સાથે સંપર્કમાં છીએ. ભૂવૈજ્ઞાનિકો તેમજ નિષ્ણાતોને તપાસ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પણ આ તકલીફનો અભ્યાસ કરવા એક સમિતિની નિમણૂક કરવાની છે.’ એમ પણ ધામીએ કહ્યું છે.

જોશીમઠ-માલારી સરહદ માર્ગ પર અનેક સ્થળે તિરાડો પડી છે. આ રોડ ભારત-ચીન સરહદને જોડે છે. બદ્રીનાથ નેશનલ હાઈવેના ઘણા ખરા ભાગ ઉપર પણ ભેખડો ધસી પડવાની ઘટના બની છે. જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ કહ્યું કે, ‘નવા આદેશો ન મળે ત્યાં સુધી જોશીમઠમાં તમામ બાંધકામ કાર્યોને અટકાવી દેવામાં આવ્યા છે.’

(તસવીર સૌજન્યઃ @ukcmo)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]