દેશના ‘રતન’નું નામ ભારત રત્ન માટે પ્રસ્તાવિત

મુંબઈઃ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસે તેમને ભારત રત્ન આપવાની માગ કરી છે. એના માટે મહારાષ્ટ્રની શિંદે કેબિનેટે ઠરાવ પસાર કર્યો છે. એ ઠરાવમાં દેશના ‘રતન’ને મરણોપરાંત ભારત રત્ન આપવાની માગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર હવે મહારાષ્ટ્ર કેબિનેટના આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેશે.

દેશના દિગજ્જ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે 86 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. વિનમ્ર ઉદ્યોગપતિની નામના ધરાવતા રતન ટાટાના અવસાનના અહેવાલથી સામાન્ય માણસથી લઈને નેતાઓ તથા ઉદ્યોગજગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉંમરને લગતી સમસ્યાઓને પગલે ભારતીય ઉદ્યોગજગતના પિતામહ તરીકેની નામના દરાવતા ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ટાટા જૂથે મીઠાથી લઈને સોફ્ટવેર સહિતના વિવિધ ક્ષેત્રમાં વિસ્તરણ કર્યું હતું.

એક નિવેદનમાં ટાટાના નિધનની પુષ્ટિ કરી હતી. ટાટાને પોતાના મિત્ર અને માર્ગદર્શક ગણાવતાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે તેમના નિધનથી જૂથને કદીય ના પુરાય તેવી ખોટ પડી છે.

ભારતીય ઉદ્યોગજગતમાં અત્યંત મહત્વનું યોગદાન આપવા બદલ રતન ટાટાને વર્ષ 2000માં પદ્મ ભૂષણ અને વર્ષ 2008માં પદ્મ વિભૂષણ એમ દેશના બે સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે તેમને ભારત રત્ન આપવાની માગ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.