ત્રણ હોસ્પિટલે મૃત ઘોષિત કરેલી વ્યક્તિ જીવિત નીકળી

મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશમાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી. અહીં રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. એ પછી પોલીસ મૃતદેહનું પચનામું કરવા માટે જિલ્લા હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં પહોંચી હતી. પોલીસ મૃતક વ્યક્તિના શરીર પર ઇજાનાં નિશાન જોઈ રહી હતી, ત્યારે પોલીસને એ મૃત વ્યક્તિના શ્વાસ ચાલી રહ્યા હોવાનો અહેસાસ થયો હતો. આમ ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે.

જ્યારે આ માહિતી તેના પરિવારને થઈ તો પરિવારમાં છવાયેલો માતમ ખુશીમાં ફેરવાઈ ગયો હતો. એ પછી તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવામાં આવ્યો. ડોક્ટરે એ વ્યક્તિનું ચેકઅપ કર્યું અને સારવાર માટે ફરીથી એ વ્યક્તિને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ પહેલાં હોસ્પિટલમાં મૃત ઘોષિત કર્યા પછી રાત્રે 4.30 કલાકે એ વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબગૃહ વિભાગમાં રાખવામાં આવ્યો હતો.

શુક્રવારે સવારે 11 કલાકે જિલ્લા હોસ્પિટલમાં બનેલા શબગૃહમાં અફરાતફરી મચી ગઈ, જ્યારે તેમાં રાખવામાં આવેલા વ્યક્તિની સાત કલાક પછી શ્વાસ ચાલવા લાગ્યા. પરિવારના જણાવ્યાનુસાર મઝોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શ્રીકેશ નગર નિગમમાં કર્મચારી છે. મોડી રાત્રે તે દૂધ લેવા નીકળ્યો હતો, ત્યારે રસ્તા પર તેની સાથે અકસ્માત થયો હતો. પરિવારને માહિતી મળતાં સારવાર માટે તેને એક પછી એક ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ શ્રીકેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

એ પછી પરિવારે શબનું પોસ્ટમોર્ટમ કરવા માટે મોડી રાત્રે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જિલ્લા હોસ્પિટલના ઇમર્જન્સીમાં હાજર ડોક્ટર મનોજે પણ શ્રીકેશને ચેકઅપ કર્યા પછી મૃત ઘોષિત કર્યો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શબગૃહમાં મોકલી આપ્યો હતો. જોકે પોલીસ શબનું પંચનામું કરી રહી હતી, ત્યારે પોસીને જાણ થઈ હતી કે આ મૃત વ્યક્તિના શ્વાસ તો ચાલે છે, એ પછી તેની સારવાર માટે હોસ્ટિપલમાં લઈ જવામાં આવ્યો હતો.