આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદઃ 17નાં મોત, 100 લાપતા

રાયલસીમાઃ આંધ્ર પ્રદેશમાં રાયલસીમાના ત્રણ જિલ્લા અને એક દક્ષિણી તટીય જિલ્લામાં 20 સેમી સુધી ભારે વરસાદથી તબાહી થઈ છે અને આ ઘટનાઓમાં 17 લોકોનાં મોત થયાં અને 100 લોકો લાપતા છે. આ ભારે વરસાદમાં સેંકડો તીર્થયાત્રીઓ ભીષણ પૂરમાં ફસાયેલા છે. ઘાટ રોડ અને તિરુમાલા હિલ્સનો રસ્તો બંધ છે. તિરુપતિના બહારના વિસ્તારમાં સ્વર્ણમુખી નદીમાં પૂર આવ્યું હતું અને જળાશયોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રાજ્ય પરિવહનની ત્રણ બસો પણ ફસાઈ હતી અને 12 લોકોને બચાવી ના શકાયા અને કડપ્પા જિલ્લામાં અત્યાર સુધી 12 લોકો લાપતા છે.

વાયુસેના, SDRF અને અગ્નિશમન સેવાઓના કર્મચારીઓએ અચાનક આવેલા પૂરમાં કેટલાય લોકોને બચાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન વાય. એસ. જગનમોહન રેડ્ડીની સાથે ફોન પર વાત કરી હતી અને સ્થિતિ વિશે માહિતી લીધી અને રાજ્યને બધી સહાયતા પહોંચાડવાનું વચન આપ્યું હતું.

મુખ્ય પ્રધાન ઓફિસની એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે મુખ્ય પ્રધાન શનિવારે પૂર પ્રભાવિત ક્ષેત્રોનું હવાઈ સર્વેક્ષણ કરશે. રાજ્યની નદીમાં વરસાદી પાણીના સ્તર વધવાથી કેટલાય જિલ્લાઓમાં પૂર આવ્યાં હતાં. રાજ્યમાં કેટલાંય સ્થાનો પર રસ્તાઓ તૂટી ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. રેણીગુંટામાં તિરુપતિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફ્લાઇટ્સ માટે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તિરુમાલા પહાડીઓ તરફ જતા રસ્તા બંધ રહ્યા છે.

મુખ્ય પ્રધાને તિરુમાલાના તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓને પહાડીઓ પર ફસાયેલા તીર્થયાત્રીઓ માટે રહેવાની અને ભોજનની વ્યવસ્થ માટે નિર્દેશ આપ્યા છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]