બેંગલુરુઃ કર્ણાટકમાં સતત વધી રહેલા ડેન્ગ્યુના કેસોને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે એક નોટિફિકેશન જારી કર્યું છે. રાજ્યમાં ડેન્ગ્યુ મહામારી ઘોષિત કરવામાં આવી છે. રાજ્ય સરકારે કર્ણાટક મહામારી રોગ વિનિયમ, 2020માં સંશોધન કરવા માટે નિયમ બનાવ્યા છે. CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધી 7362 ડેન્ગ્યુના કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે આ રોગથી 12 લોકોનાં મોત થયાં છે.
બેંગલુરુ મહાનગરપાલિકા (BBMP) ક્ષેત્રમાં 11,219 કેસો સામે આવ્યા છે, જેમાં 32 લોકો હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં હાલમાં ડેન્ગ્યુના 1358 સક્રિય કેસો છે. છેલ્લા 24 કલાકમાં 245 નવા કેસો નોંધાયા છે. નવા કેસોમાં પાંચ એક વર્ષની ઓછી વયનાં બાળકો છે અને 100 એકથી 18 વર્ષની વયનાં બાળકો છે. 140 કેસો 18થી વધુ વયના વ્યક્તિઓ સંબંધિત છે.
રાજ્ય સરકારે બહાર પાડેલા નોટિફિકેશનમાં દંડનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં ઘરની બહાર ડેન્ગ્યુ મચ્છર મળી આવતાં (શહેરી વિસ્તારમાં) રૂ. 400 અને ગ્રામીણ વિસ્તારમાં રૂ. 200નો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય કોમર્શિયલ જગ્યાએ –જેમ કે સ્કૂલ, કોલેજ, ઓફિસ હોટેલ, રિસોર્ટ, સિનેમા થિયેટર, મોલ કે સુપરમાર્કેટમાં ડેન્ગ્યુનાં મચ્છર મળી આવશે તો રૂ. 1000 (શહેરી વિસ્તારમાં) અને રૂ. 500 (ગ્રામીણ વિસ્તારમા) દંડ ફટકારવામાં આવશે.
આરોગ્યપ્રધાન દિનેશ ગુંડુ રાવે કહ્યું હતું કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને બધા વિભાગોના સજાગ રહેવા માટે નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે લોકોની વચ્ચે જાગરુકતા ફેલાવવી જરૂરી છે કે તાવના કયા તબક્કામાં હોસ્પિટલ જવું જોઈએ.