નવી દિલ્હીઃ દિલ્હી NCR અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટીને મેનેજ કરવા માટે સરકાર કડક વલણ અપનાવી રહી છે. સરકારે પરાળી સળગાવવા પર લગાવવામાં આવેલો દંડ વધારી દીધો છે. હવે પાંચ એકરથી વધુ જમીન પર પરાળી બાળતાં ખેડૂતોને હવે 30,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકારે અગાઉના દંડની સરખામણીએ રકમ બમણી કરી દીધી છે.
કેન્દ્ર સરકારે પરાળી બાળવાના દંડની રકમને બમણી કરી દીધી છે. સરકારના નવા નિર્ણય મુજબ બે એકરથી ઓછી જમીનવાળા ખેડૂતોને 5000 રૂપિયા, બેથી પાંચ એકર જમીનવાળા ખેડૂતોને 10,000 રૂપિયા અને પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતને પરાળી સળગાવવા પર 30,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.
સુપ્રીમ કોર્ટે પણ પરાળી સળગાવવાથી પ્રભાવિત રાજ્ય સરકારોને ઓછા દંડ માટે ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને પરાળી સળગાવીને પ્રદૂષણ કરનાર ખેડૂતોની દંડની રકમ બમણી કરી દીધી છે. આ નિયમ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કાયદો, 2021 હેઠળ સંશોધિત કરવામાં આવ્યો છે. અધિનિયમની કલમ 25ની પેટાકલમ (2) ના ખંડ (h)ને ટાંકીને, કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમને સંશોધિત કરતાં ‘રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન સંશોધન નિયમ, 2024 પસાર કરવામાં આવ્યો છે.
દિવાળીથી પહેલાં આ વખતે દિલ્હીની હવા ઝેરીલી થઈ હતી, જ્યારે દિવાળી પછી સ્થિતિ બદથી બદતર થઈ હતી. ગુરુવારે દિલ્હીનો સરેરાશ AQI 362 નોંધાયો હતો. CPCB અનુસાર દિલ્હીમાં સવારે વાયુ ગુણવત્તા બહુ ખરાબ શ્રેણીવાળા સૂચકાંકમાં આવતી હતી.