નવી દિલ્હીઃ PM મોદીએ લેટરલ ભરતી અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે. હજી થોડા દિવસો પહેલાં UPSCએ એક જાહેરાત જારી કરીને લેટરલ ભરતીની વાત કહી હતી. લેટરલ એન્ટ્રીમાં કોઈ પણ વ્યક્તિને UPSC પરીક્ષામાં બેસવાની જરૂર નથી હોતી અને સીધી જ તેની નિમણૂક મોટાં પદો પર થાય છે. એમાં અનામતનો લાભ કોઈ પણ એક સમાજને નથી મળતો, પરંતુ આ પ્રક્રિયા પર બબાલ શરૂ થઈ છે.
કર્મચારી વિભાગ તરફથી UPSCને એક વિસ્તારથી પત્ર લખવામાં આવ્યો હતો. એ પત્રમાં PM મોદીએ લેટરલ ભરતી અટકાવવાનો આદેશ લખ્યો હતો. આ મુદ્દે સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આને OBC વિરોધ ગણાવ્યો હતો. લેટરલ એન્ટ્રીમાં અનામતની કોઈ જોગવાઈ નથી, એને કારણે કેન્દ્રએ પારોઠનાં પગલાં ભર્યા છે. આ અનામતને મુદ્દે લોકસભા ચૂંટણી દરમ્યાન ભાજપને ભારે નુકસાન થયું હતું. વિપક્ષે નેરેટિવ સેટ કર્યો હતો કે ભાજપ અનામત ખતમ કરી દેશે, બંધારણ બદલી નાખશે, પરંતુ હવે ત્રીજી વાર સરકાર બની ગઈ છે. જેથી પાર્ટી ફૂંકી-ફૂકીને પગલાં ભરી રહી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે PM મોદી ઉચ્ચ પદો પર લેટરલ એન્ટ્રી માટે બંધારણમાં સામાજિક ન્યાય અને અનામત પર ભાર આપવા ઇચ્છે છે. એટલા માટે આ જાહેરાત પરત લેવામાં આવે. કેન્દ્રએ પત્રમાં સામાજિક ન્યાયના પ્રતિ જનાદેશને જાણળવી રાખવાના મહત્ત્વ પર પણ પ્રકાશ ફેંક્યો છે. કેન્દ્રએ કહ્યું હતું કે હાંસિયામાં હાજર યોગ્ય ઉમેદવારોને સરકારી સેવાઓમાં તેમને ઉચિત પ્રતિનિધિત્વ મળે, એની જરૂર છે.