ઉદેપુરની ઘાતકી હત્યામાં વિદેશી ષડયંત્રના સંકેત મળ્યા

જયપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં ગયા મંગળવારે દરજી કનૈયાલાલની નિર્મમ હત્યાના તાર પાકિસ્તાનથી જોડાયેલા છે. રાજ્સ્થાનના DGP એમ. એલ. લાઠરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ હત્યાના મામલે ધરકડ કરવામાં આવેલા ગૌસ મોહમ્મદ પાકિસ્તાન સ્થિત કટ્ટરપંથી સંગઠન દાવત-એ-ઇસ્લામીથી જોડાયેલો હતો અને વર્ષ 2014માં કરાચી પણ ગયો હતો.

રાજસ્થાનની પોલીસની STFની પ્રારંભિક તપાસમાં હત્યાકાંડની વિદેશી લિન્કની વાત સામે આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રિયાઝ અખ્તરીના સંબંધ દાવત-એ-ઇસ્લામીથી છે અને તે પણ પાકિસ્તાન ગયો હતો, ત્યાંથી તે પરત ફરીને યુવાઓને ભડકાવવાનું કામ કરતો હતો. 

પોલીસે આ કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. જોકે હવે તપાસ NIAએ સંભાળી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ એજન્સીઓએ આશરે 10 મોબાઇલ નંબર ટ્રેસ કર્યા હતા. જેનાં લોકેશન પાકિસ્તાનથી માંડીને ભારત સુધી મળી રહ્યાં છે. આ નંબરોથી બંને હત્યારાની સતત વાતચીત થઈ રહી હતી. ગૃહ રાજ્યપ્રધાન રાજેન્દ્ર સિંહ યાદવે કહ્યું હતું કે બંને હત્યારાના આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સંબંધના પાકા પુરાવા મળ્યા છે. તેઓ પાકિસ્તાન અને કેટલાક આરબ દેશોના સંપર્કમાં હતા. તેમના મોબાઇલમાં પાકિસ્તાન અને આરબ દેશોના ફોન નંબર મળ્યા છે. બંને આઠ વર્ષ પહેલાં આશરે 45 દિવસ સુધી કરાચીમાં રહ્યા હતા. તેઓ નેપાળને રસ્તે પાકિસ્તાન ગયા હતા.રાજસ્થાનમાં કરફ્યુ છતાં ઉદેપુરમાં મોટી સંખ્યામાં લોકો કનૈયાલાલના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચ્યા હતા. લોકોએ હત્યારાઓને ફાંસી આપવા માગ કરી હતી. આ હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ ઉદેપુર, ડુંગરપુર, રાજસમંદ અને ઝાલાવાડ સજ્જડ બંધ રહ્યા હતા.