દહીં, લસ્સી, ચેક-બૂક સહિતની ચીજો મોંઘી થશે

મુંબઈઃ આવતી 18 જુલાઈથી અમુક ચીજવસ્તુઓ પર 18 ટકા ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ થશે એટલે તે ચીજો મોંઘી થશે. બેન્ક ચેકબૂક કે લૂઝ લીફ ચેક (છૂટક ચેક) પર 18 ટકા જીએસટી લાગશે જ્યારે નકશા, એટલસ ચીજો પર 12 ટકા જીએસટી લાગશે. એવી જ રીતે, અનબ્રાન્ડેડ પણ પ્રી-પેક્ડ કરેલું દહીં, લસ્સી, છાશ, ખાદ્યપદાર્થો, અનાજ વગેરે ચીજોને પણ હવે જીએસટીની જાળમાં સામેલ કરાશે. અત્યાર સુધી એને બાકાત રખાઈ હતી.

રાઈટિંગ, પ્રિન્ટિંગ કે ડ્રોઈંગ શાહી (ઈન્ક) પણ મોંઘી થશે. એની પરનો જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરાયો છે. એવી જ રીતે, ચમચી-ચમચાં, ફોર્ક, કેક-સર્વર ચીજો, પેન્સિલ શાર્પનર્સ પરનો જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરાયો છે. બીજી બાજુ, ઓર્થોપેડિક સાધનો (ફ્રેક્ચર થાય ત્યારે વપરાતા સાધનો, શરીરના કૃત્રિમ ભાગો) સહિત મેડિકલ ચીજવસ્તુઓ સસ્તી થશે. એની પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. એલઈડી લેમ્પ, લાઈટ્સ અને ફિક્ષ્ચર, એમના મેટલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, પરનો જીએસટી 12 ટકાથી વધારી 18 ટકા કરાયો છે. સોલર વોટર હીટર પરનો જીએસટી પાંચ ટકાથી વધારી 12 ટકા કરાયો છે.