શિવ પણ શિવસેનાને બચાવી શકે એમ નથીઃ કંગના

મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી ગઈ કાલે રાતે આપેલા રાજીનામા અંગે બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે સોશિયલ મીડિયા મારફત પોતાનાં પ્રત્યાઘાત આપ્યાં છે. એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક-મિનિટ જેટલો વીડિયો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં આમ લખ્યું છેઃ ‘જ્યારે પાપનું પ્રમાણ વધે છે ત્યારે વિનાશ નિશ્ચિત બને છે. ત્યારબાદ સર્જન થાય છે. જીવનનાં કમળ ખીલે છે.’ ક્વીન ફિલ્મની હિરોઈન કંગનાએ એમ પણ જણાવ્યું છે કે 2020માં મેં કહ્યું હતું કે લોકશાહી એક વિશ્વાસની પ્રણાલી છે અને જે લોકો સત્તાની લાલચને કારણે આ પ્રણાલીનો નાશ કરતા હોય છે એ બરબાદ થતા હોય છે. એમનો અહંકાર નેસ્તનાબુદ થશે.

કંગના હવે નવી ફિલ્મ તેજસમાં ચમકવાની છે. એમાં તેણે ભારતીય હવાઈ દળની અધિકારીનો રોલ કર્યો છે. આ ફિલ્મ આ વર્ષના અંતભાગમાં રિલીઝ થશે.