ભગવાન જગન્નાથન, સુભદ્રા, બલદેવને હીરાજડિત મુગટ પહેરાવાશે

અમદાવાદઃ આવતી કાલે શહેરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે શહેરની ગલીએ ગલીએ ગગનમાં ગુંજશે- ‘જય જગન્નાથ’નો જયનાદ. આ વખતે રથયાત્રા હટકે હશે, કેમ કે આ વખતે જગન્નાથ ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના મસ્તકે હીરાજડિત મુગટ સુશોભિત હશે. અમદાવાદની રથયાત્રા 19 કિલોમીટરની હોય છે.

દરેક વખતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલદેવને નિતનવા શણગાર કરવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતાં આ વર્ષે ભગવાનને માથે હીરાજડિત મુગટ સૌપ્રથમ વાર પહેરાવવામાં આવશે. ભગવાનના માથા પરનો મુગટ ભક્તોનું પણ મન મોહી લેશે.
અમદાવાદના શાહપુરમાં રહેતા સુનીલભાઈ સોની દર વર્ષે ભગવાન જગન્નાથનાં વાઘાં બનાવે છે. આ વર્ષે તેમણે રંગબેરંગી રંગોનાં સુંદર વાઘા બનાવ્યાં છે. જેમાં ભગવાનનું સ્વરૂપ મનમોહક જોવા મળશે.

આ વખતે રથયાત્રાના દિવસે 25,000થી પણ વધુનો પોલીસ કાફલો અને તમામ સુરક્ષા એજન્સીઓ તહેનાત કરીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જોકે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી હતી. ઈ છે. વહેલી સવારે ભગવાનને ગર્ભગૃહમાં બેસાડવામાં આવ્યા હતા. આજે સવારે 8 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ શરૂ થઈ હતી. ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતાં. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની પૂજાવિધિ કરી હતી. ગર્ભગૃહના કપાટ ખૂલતાંની સાથે જ જય રણછોડ માખણચોરના નાદ સાથે ભકતોએ ભગવાનના દર્શન કર્યા હતા.ભગવાન જગન્નાથની મહાઆરતી યોજાઈ હતી.