નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ ટેક્સ ફ્રી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને એની માહિતી આપી હતી. એ પહેલાં મધ્ય પ્રદેશ સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘ધ કેરળ સ્ટોરી’ એક એવી ફિલ્મ છે, જેનાથી આતંકવાદના સત્યને ઉજાગર કરી શકાય છે.
બીજી બાજુ, પશ્ચિમ બંગાળની સરકારે આ ફિલ્મ પર રાજ્યમાં પ્રતિબંધ મૂકી દીધો છે, જેની સામે નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. મમતા બેનરજીએ ભાજપ પર આરોપ મૂક્યો હતો કે ભાજપ ખોટી વાર્તાવાળી બંગાળ ફાઇલ્સ બનાવવા માટે ફિલ્મકારોને પૈસા આપી રહી છે.
‘The Kerala Story’ उत्तर प्रदेश में टैक्स फ्री की जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) May 9, 2023
બીજી બાજુ, આ ફિલ્મના એક ક્રૂ મેમ્બરને અજાણ્યા નંબરથી ધમકીભર્યો મેસેજ મળ્યો છે, મુંબઈ પોલીસે આ માહિતી આપી છે. ફિલ્મ નિર્દેશક સુદીપ્તો સેને પોલીસને જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બર્સમાં એકને અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં તેને ઘરેથી બહાર નહીં નીકળવાની ધમકી આપવામાં આવી હતી. એ સાથે કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મની વાર્તા બતાવીને સારું કામ નથી કર્યું.
પોલીસે ક્રૂ સભ્યને સુરક્ષા પૂરી પાડી હતી, પણ હજી FIR નોંધવામાં નથી આવી. અત્યાર સુધી લેખિત ફરિયાદ પણ નથી મળી. અંબોલી પોલીસ ક્ષેત્રમાં તેમની ઓફિસ છે, એટલા માટે અંબોલી પોલીસને આ મામલે જરૂરી કાર્યવાહી અને સુરક્ષા પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.