સ્વાતિ માલવાલે PA બિભવ પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલની સાથે મારપીટવાળા મામલે બિભવની વિરુદ્ધ FIR નોંધી છે. એ FIRમાં બિભવ પર અનેક ગંભીર આરોપ લાગ્યા છે. મારપીટથી માંડીને ગાળાગાળી સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પોલીસે તપાસ અને બિભવની શોધખોળ માટે 10 ટીમો બનાવી છે.

માલીવાલે દિલ્હી પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ડ્રોઇંગ રૂમમાં CM કેજરીવાલની રાહ જોતી હતી, ત્યારે બિભવે આવ્યો અને તેમને ગાળો બોલવા માંડ્યો હતો અને વગર ઉશ્કેરણીએ તેમને થપ્પડ મારતો રહ્યો. મેં બૂમાબૂમ કરી અને મને છોડી મૂકવા તેને કહ્યું હતું.

તે મને સતત મારતો રહ્યો અને ગંદી ગાળો બોલતો હતો. બિભવે તેમની છાતીમાં અને ચહેરા પર, પેટમાં અને શરીરના નીચલા હિસ્સામાં માર માર્યો હતો. તેણે ત્યારે કહ્યું હતું કે તેઓ પિરિયડમાં છે અને છોડી દો, પણ તે સતત મારતો હતો, એમ માલીવાલે કહ્યું હતું. ત્યાર બાદ તેણે બહાર આવીને પોલીસને ફોન કર્યો અને ફરિયાદ કરી હતી. હાલ પોલીસે સ્વાતિનાં નિવેદનોને આધારે કાનૂની કાર્યવાહી કરી છે.

દિલ્હી પોલીસની 10 ટીમો હવે બિભવની શોધખોળમાં લાગેલી છે. હવે કેજરીવાલના PAની ધરપકડ સંભવ છે. સ્વાતિ માલીવાલે મૌન તોડ્યું છે અને ભાર દઈને કહ્યું છે કે તે ઘણી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.

બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા પંચે શુક્રવારે બિભવને સવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ સાથે દિલ્હી પોલીસ કેજરીવાલના નિવાસસ્થાને CCTV ફુટેજની તપાસ થશે. માલીવાલના ટેક્સી ડ્રાઇવર સાથે પણ પૂછપરછ કરવામાં આવશે. બીજી બાજુ કેજરીવાલ અત્યાર સુધી PA વિરુદ્ધ એક શબ્દ પણ નથી કહ્યો. તેઓ મૌન ધારણ કરીને બેઠા છે.