NEET UG ના પરિણામ બાદ વિદ્યાર્થીઓએ મેડિકલ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી NTA સામે અનેક પ્રશ્ન ઉઠાવ્યા હતા. વિદ્યાર્થીઓ પ્રમાણે પરીક્ષામાં ગેરરીતિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે 67 વિદ્યાર્થીઓને ફૂલ માર્કસ મળ્યા હોવાથી વિદ્યાર્થીઓ પ્રશ્ન ઉઠાવ્યા હતા. આ ઉપરાંત એક સેન્ટરમાં ઘણા ટોપર્સ આવવાથી NEET શંકાના દાયરામાં પણ આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.
NEET સામે વિરોધના વંટોળ સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યા હતા. જે બાદ NEET અને NTA સામે તપાસના ધમધમાટ ચાલ્યા. જ્યાં 67 વિદ્યાર્થીને ફૂલ માર્કટ કેમ આવ્યાની તપાસ શરૂ કરવામાં આવી હતી. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલુ છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સિલિંગ પર રોક લગાવવાની દલીલ ફગાવી દીધી હતી અને નોટિસ ઈશ્યૂ કરીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે જવાબની માગ કરી હતી. હવે આ મામલે આગામી 8 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે.
આ અરજી તેલંગાણાના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને આંધ્રપ્રદેશના રહેવાસી ડો. શેખ રોશન મોહિદ્દીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ અરજીને બીજી અરજી સાથે જોડી દીધી છે. આ પિટિશનમાં પરીક્ષા રદ કરીને ફરીથી કરાવવાની માંગ કરવામાં આવી છે. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓના આધારે NEET-UG 2024ની પરીક્ષા ફરીથી યોજવાની વિનંતી કરતી અરજીનો જવાબ આપવો પડશે.