સુપ્રીમ કોર્ટમાં ઘૂસ્યો કોરોનાઃ નીતિ આયોગ ઓફિસ પણ સીલ કરવી પડી

નવી દિલ્હીઃ ખતરનાક અને જીવલેણ એવો કોરોના વાઈરસ રોગચાળો અહીં સુપ્રીમ કોર્ટ સંકુલમાં પણ ઘૂસ્યો છે. અદાલતના એક કર્મચારીને કોરોના થયાનું માલૂમ પડ્યું છે. આને કારણે દેશની આ સર્વોચ્ચ અદાલતમાં ખળભળાટ મચી ગયો છે.

સુપ્રીમ કોર્ટના જ્યુડિશ્યલ વિભાગના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં એને તાબડતોબ એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કર્મચારી બીજા કયા કયા લોકો સાથે સંપર્કમાં રહ્યો હતો એની તપાસ ચાલુ છે.

સંબંધિત કર્મચારી ગઈ 16 એપ્રિલે ફરજ પર હાજર થયો હતો અને ત્યારે તે કોર્ટના બે રજિસ્ટ્રાર સાથે પણ સંપર્કમાં રહ્યો હતો. એ બંને રજિસ્ટ્રારને પણ ડોક્ટરોએ સાવચેતીના પગલા તરીકે સેલ્ફ-ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી છે.

16 એપ્રિલે કામ પર આવ્યા બાદ સંબંધિત કર્મચારીને બે દિવસ સુધી તાવ આવ્યો હતો. ગઈ કાલે એનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુપ્રીમ કોર્ટના કોઈ કર્મચારીને કોરોના થયો હોવાનું આ પહેલી જ વાર બન્યું છે.

સુપ્રીમ કોર્ટે ગઈ 23 માર્ચથી તેની કામગીરીઓને નિયંત્રણમાં રાખી છે. અત્યંત તાકીદના કેસોને ન્યાયાધીશો વિડિયો કોન્ફરન્સિંગ મારફત જ સાંભળી રહ્યા છે.

એક અધિકારીને કોરોના થતાં નીતિ આયોગની ઓફિસ સીલ કરાઈ

દરમિયાન, કેન્દ્ર સરકારની નવી દિલ્હીમાં જ કાર્યરત આર્થિક નીતિ વિષયક સંસ્થા નીતિ આયોગના કાર્યાલય ‘નીતિ ભવન’ને સીલ કરી દેવામાં આવ્યું છે, કારણ કે એના એક અધિકારીનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ડાયરેક્ટર-લેવલના અધિકારીને કોરોના થયો છે.

આ અધિકારી સાથે સંપર્કમાં રહેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન થવાનું કહી દેવામાં આવ્યું છે.

નીતિ આયોગ સંસ્થાના એક અધિકારીએ કહ્યું કે અમે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓને આ વિશે જાણ કરી દીધી છે અને તમામ યોગ્ય પ્રક્રિયાનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે.