નવી દિલ્હીઃ કોવિડ-19 સંકટ દરમ્યાન બધા વરિષ્ઠ નાગરિકોને સમયસર વૃદ્ધાવસ્થાનું પેન્શન ચૂકવવા, માસ્ક, સેનિટાઇટર અને આવશ્યક ચીજવસ્તુઓ સેવાઓ પૂરી પાડવાનો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણ આ ખંડપીઠનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ખાસ કરીને એકલા રહેતા સિનિયર સિટિઝનોને આ સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારોને જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.
વૃદ્ધાશ્રમોમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય એ જરૂરી
સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને વૃદ્ધાશ્રમોમાં કોવિડ-19 રોગચાળા સામે ઉચિત સાવધાની અને સલામતી રાખવા નિર્દેશ આપ્યો છે. ખંડપીઠે એ બાબતો પર ભાર મૂક્યો હતો કે તેમની સારસંભાળ લેનારા લોકો માસ્ક અને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE કિટ) અને સેનેટાઇઝથી સંપૂર્ણ સજ્જ હોવા જોઈએ.
સિનિયર સિટિઝનનોની દુર્દશા
આ આદેશ ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદાપ્રધાનની નવી અરજી પર અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી જનહિત અરજી (PIL) પર આવ્યો છે, જેમાં દેશમાં સિનિયર સિટિઝનોની દુર્દશા વર્ણવવામાં આવી હતી.
આ સુનાવણી દરમ્યાન કુમારે ખંડપીઠને કહ્યું હતું કે કોવિડ-19ના રોગચાળા દરમ્યાન સિનિયર સિટિઝનોને ભોજન, પાણી, દવાઓ, માસ્ક અને અન્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ, ખાસ કરીને જે એકલા રહી રહ્યા છે, કેમ કે તેમને ભોજન, બજાર દવાઓ લેવામાં મુશ્કેલીઓ પડે છે.
વૃદ્ધાશ્રમોની યાદી બનાવવા નિર્દેશ
ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉચ્ચ કોર્ટે કેન્દ્રને વૃદ્ધાશ્રમોની સંખ્યા અને તેમને મળતી મેડિકલ સુવિધા અને સારસંભાળની સુવિધાઓ પર એક પેન-ઇન્ડિયા રિપોર્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે રાષ્ટ્રના સિનિયર સિટિઝનો માટે પેન્શન પર ધ્યાન આપવા માટે પણ સૂચનો કર્યાં હતાં.