અયોધ્યા ચુકાદા સામે સુન્ની વકફ બોર્ડ રિવ્યુ અરજી દાખલ નહીં કરે

લખનૌ– સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અયોધ્યામાં રામ જન્મભૂમિ અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારશે નહીં. લખનૌમાં બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે. આ સાથે પાંચ એકર જમીન અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. બેઠકમાં સામેલ સાત સભ્યોમાંથી છ સભ્યોએ નિર્ણય લીધો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે બોર્ડ સમીક્ષા અરજી દાખલ કરાશે નહીં. ફક્ત અબ્દુલ રઝાક આ અરજીની તરફેણમાં રહ્યાં હતાં અને તેમણે બોર્ડના નિર્ણયને રમૂજી ગણાવ્યો છે.

અબ્દુલ રઝાકે કહ્યું કે જ્યારે સરકાર જમીનની દરખાસ્ત કરશે, ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન થયું છે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. તે પછી જ અમે જોઇશું કે ઇસ્લામિક શરિયા મુજબ જમીન લેવી યોગ્ય છે કે નહીં. આજની સભામાં જમીન અંગે ચર્ચા કરવામાં આવી નહોતી.

સુન્ની વકફ બોર્ડના પ્રમુખ ઝુફર અહમદ ફારુકીએ કહ્યું કે, અયોધ્યાના ચુકાદા પર રિવ્યુ પીટીશન દાખલ નહીં કરવાનો નિર્ણય એટલા માટે હતો કે અમે લોકોને કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સ્વીકાર કરીશું, ભલે તે અમારી વિરુદ્ધ હોય. અન્ય મુસ્લિમ સંગઠનો પણ તેમાં સહમત છે. પાંચ એકર જમીન અંગે ચર્ચા થઈ નથી કારણ કે અમારા સભ્યો અભિપ્રાય આપવા માટે વધુ સમય માંગે છે. એમ પણ કહ્યું હતું કે જમીન લેવી કે નહીં લેવાનો મુદ્દો અન્ય લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, અમારા દ્વારા નહીં. તેમણે સુન્ની વકફ બોર્ડના દસ્તાવેજોમાંથી બાબરી મસ્જિદનું નામ હટાવવાની વાતને નકારી હતી.

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ ઓફિસ, મોલ એવન્યુ ખાતે સુન્ની વકફ બોર્ડની બેઠકમાં, બોર્ડના અધ્યક્ષ ઝુફર ફારૂકી સાથે અદનાન ફારૂક શાહ, ખુશાનૂદ મિયાં, જુનેદ સિદ્દીકી, મોહમ્મદ જુનીદ, અબ્દુલ રઝાક ખાન પણ હતા. સુલતાનપુરના ધારાસભ્ય મોહમ્મદ અબરાર અહેમદ પણ બેઠક શરૂ થતાં પહેલાં જ જોડાયા હતા. આ બેઠકમાં પુન: વિચારણાની અરજી દાખલ કરવા તેમ જ પાંચ એકર જમીન લેવી કે નહીં તેની ચર્ચા કરવાની હતી.

બોર્ડના આઠ સભ્યોમાંથી સાત સભ્યો બેઠકમાં હતા. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે મુસ્લિમોની સૌથી મોટી પાર્ટી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની લખનઉમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બોર્ડની આ બેઠકમાં બાબરી મસ્જિદને વકફ મિલકતમાંથી હટાવવા, પુનર્વિચાર અરજી દાખલ કરવા અને પાંચ એકર જમીન લેવાની કે નહીં લેવાનો નિર્ણય લેવાવાનો હતો. આ બેઠક એટલા માટે વિશેષ હતી કે તેમાં સુન્ની વકફ બોર્ડ અયોધ્યાના મુદ્દામાં આગળ શું કરશે તે નક્કી કરવાનું હતું. આ બેઠકમાં ચાર મહત્વની બાબતો પર ચર્ચા થવાની હતી.

1- આ બેઠકમાં સુન્ની વકફ બોર્ડ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સમીક્ષા અરજી દાખલ કરવાની છે કે નહીં તે નિર્ણય લેવાનો હતો.. બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ પહેલેથી જ કહ્યું છે કે તેઓ કોર્ટના નિર્ણય સામે કોઈ સમીક્ષા અરજી દાખલ કરશે નહીં.

2- બેઠકમાં સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટ પાસેથી આપેલી પાંચ એકર જમીન મસ્જિદ માટે લેવાની છે કે કેમ તે નક્કી કરવાનું હતું. સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ પહેલાથી જ તે જમીન લેવાની વાત કરી ચૂક્યાં છે.

3- જે જમીન આપવામાં આવી રહી છે તેના ઉપર શું બાંધકામ થવું જોઇએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકી કહે છે કે ઘણી દરખાસ્તો આવી રહી છે કે ત્યાંની મસ્જિદની સાથે ઇસ્લામિક યુનિવર્સિટી અથવા હોસ્પિટલ બનાવવામાં આવે.આ અંગેનો નિર્ણય પણ બોર્ડની બેઠકમાં જ લેવાશે.

4- બોર્ડની બેઠકમાં 75 વર્ષ પછી, વકફ બોર્ડના દસ્તાવેજોમાંથી બાબરી મસ્જિદનું નામ હટાવવાની પણ મહોર લગાવાની સંભાવના છે. સુન્ની વકફ બોર્ડના ડોક્યુમેન્ટ રજિસ્ટર 37માં એક લાખ 23 હજારથી વધુ વકફ મિલકતો નોંધાયેલી છે. સર્વે વક્ફ કમિશનર વિભાગે 75 વર્ષ પહેલાં 1944માં સુન્ની વકફ બોર્ડના દસ્તાવેજોમાં બાબરી મસ્જિદની નોંધ કરી હતી. તે બાબરી મસ્જિદ અયોધ્યા જિલ્લો ફૈઝાબાદના નામે વકફ નંબર 26 પર નોંધાયેલ છે, જે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે હટાવવાની છે.