નવી દિલ્હીઃ ભારતના નકશામાં લદાખને ખોટી રીતે દર્શાવવા બદલ ભારત સરકારે ટ્વિટર કંપનીના CEO જેક ડોરસેને આજે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્વિટર પર કડક ચેતવણી આપતાં IT સચિવે લખ્યું હતું કે આવાં કાર્યોથી ના તો માત્ર ટ્વિટરની શાખ નીચે જાય છે, પણ ટ્વિટરની તટસ્થતા અને નિષ્પક્ષતા પર પણ સવાલ ઊભા થાય છે. આ પત્ર પછી તરત જ ટ્વિટરે ભૂલ માનતાં નિવેદન જારી કર્યું હતું.
આ પહેલાં 18 ઓક્ટોબરે ટ્વિટરે પોતાના પ્લેટફોર્મ પર લેહના જિયો-ટેગ લોકેશનને જમ્મુ-કાશ્મીર ચીનમાં દેખાડ્યું હતું. IT સચિવે ટ્વિટરને સ્પષ્ટ કર્યું હતું કે લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખનો હિસ્સો છે અને લદ્દાખ તથા જમ્મુ-કાશ્મીર ભારતના અવિભાજ્ય હિસ્સા છે, જે ભારતના સંવિધાન દ્વારા શાસિત છે. સચિવે ટ્વિટરને કહ્યું હતું કે લેહ લદ્દાખની રાજધાની છે- આ વાત ટ્વિટરને ખબર હોવી જોઈએ.
આવું અપમાન સ્વીકાર્ય નહીં
અજય સાહનીએ ટ્વિટરને સ્પષ્ટ શબ્દોમાં એ પણ કહ્યું હતું કે ટ્વિટરે ભારતના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. ટ્વિટર દ્વારા ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, જે નકશા દ્વારા પણ પ્રતિબિંબિત થાય છે, એની સાથે કરવામાં આવેલું અપમાન સ્વીકાર્ય નથી અને આ કાયદાનું પણ ઉલ્લંઘન છે. ભારતે વાંધો ઉઠાવતા પત્ર સામે ટ્વિટરની પ્રતિક્રિયા આવી છે. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું હતું કે ટ્વિટર ભારત સરકારની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ મામલે સંવેદનશીલતાનું અને સન્માન કરીએ છીએ. આ પત્રની વિગતોને હંમેશાં ધ્યાનમાં રાખવામાં આવશે.