‘દરેક રાજ્યને કોરોનાની મફત રસી અપાશે’

નવી દિલ્હીઃ બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જીતીને જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપની સરકાર સત્તા પર પાછી આવશે તો રાજ્યમાં દરેક વ્યક્તિને કોરોના વાઈરસની રસી મફતમાં આપવામાં આવશે એવી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પક્ષના ચૂંટણીઢંઢેરાને રિલીઝ કરતી વખતે જણાવ્યા બાદ થોડોક વિવાદ થયો છે. એ વિવાદને ડામવા માટે કેન્દ્રના રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાનન અને ભાજપના નેતા અશ્વિની ચૌબેએ સ્પષ્ટતા કરી હતી કે એકલા બિહારમાં જ નહીં, પણ દેશના દરેક રાજ્યને કોરોનાની મફત રસી આપવામાં આવશે.

ચૌબેએ આ સ્પષ્ટતા કરી છે.

બિહારમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપે આજે તેનું ચૂંટણી ઘોષણાપત્ર રિલીઝ કર્યું હતું અને વચન આપ્યું છે કે ICMR તરફથી કોરોનાવાઈરસની રસી માટે મંજૂરી મળી જશે તે પછી બિહાર રાજ્યમાં દરેક વ્યક્તિને મફતમાં રસી આપવામાં આવશે.

નિર્મલા સીતારામને કહ્યું હતું કે કોવિડ-19 રસી સામુહિક સ્તર પર ઉત્પાદન માટે ઉપલબ્ધ થશે એ પછી તરત જ બિહારમાં દરેક વ્યક્તિને મફતમાં રસી આપવામાં આવશે. અમારા ચૂંટણીઢંઢેરામાં આ પહેલું વચન દર્શાવ્યું છે.

સીતારામનની આ જાહેરાત બાદ તરત જ આમ આદમી પાર્ટીએ ટ્વિટરના માધ્યમથી ટકોર કરી હતી કે ‘બિન-ભાજપ શાસિત રાજ્યોનું શું? જે ભારતીયો ભાજપને વોટ નહીં આપે એમને મફત કોવિડ રસી નહીં મળે?’

બિહારની ચૂંટણીમાં ભાજપ અને નીતિશ કુમારની જનતા દળ (યૂનાઈટેડ) સાથે મળીને જંગ ખેલી રહી છે. 243-સભ્યોની વિધાનસભામાં, જેડીયૂ 122 સીટ અને ભાજપ 121 સીટ પર ચૂંટણી લડે છે.

બિહારમાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થશે. 10 નવેમ્બરે મતગણતરી કરાશે અને પરિણામ જાહેર કરાશે.