વિદેશી વિદ્યાર્થીઓ, વેપારીઓને ભારત આવવાની છૂટ; ટૂરિસ્ટ્સને નહીં

નવી દિલ્હીઃ કોવિડ-19 મહાબીમારી ફેલાઈ છે તે વચ્ચે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના નિયંત્રણોમાં વધુ રાહત જાહેર કરી છે. સરકારે વધુ કેટેગરીના વિદેશી નાગરિકો અને ભારતીય નાગરિકોને ભારતના પ્રવાસે આવવા માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. બધા OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા – દરિયાપાર વસતા ભારતીય નાગરિક) અને PIO (પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજીન – ભારતીય મૂળની વ્યક્તિ) કાર્ડધારકો તથા અન્ય તમામ વિદેશી નાગરિકોને, ટૂરિસ્ટ વિઝાને બાદ કરતાં, તેઓ જે કોઈ પણ હેતુથી ભારત આવવાનો ઇરાદો ધરાવતા હોય, તેમને સત્તાવાર હવાઈ કે દરિયાઈ માર્ગે ભારતપ્રવેશની મંજૂરી આપવામાં આવશે, એમ નવા વિઝા નિયમોમાં કહેવામાં આવ્યું છે. આમાં ‘વંદે ભારત મિશન’ હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ, એર ટ્રાન્સપોર્ટ બબલ વ્યવસ્થાઓ અથવા સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા મંજૂરી કરાયેલી કોઈ પણ નોન-શિડ્યુલ્ડ કમર્શિયલ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.  

જોકે આવા બધા પ્રવાસીઓએ આરોગ્ય મંત્રાલયના દિશા-નિર્દેશોનું કડક પાલન કરવાનું રહેશે.

આ તબક્કાવાર છૂટની રાહતને કેન્દ્રએ બધા હાલના વિઝા (ઇલેક્ટ્રોનિક વિઝા, પર્યટક વિઝા અને મેડિકલ વિઝા સિવાય)ને તત્કાળ અસરથી મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. જો વિઝાની કાયદેસરતા પૂરી થઈ ગઈ હશે તો નવા વિઝા માટે જે તે કેટેગરીના સંબંધિત વિભાગ પાસેથી એ પ્રાપ્ત કરી શકાશે, એમ ગૃહ વિભાગે કહ્યું હતું.

જો કોઈ વિદેશી નાગરિક તેના મેડિકલ એટેડન્ટ્સની સાથે ભારતમાં મેડિકલ સારવાર માટે આવવા માગતા હોય તો એ મેડિકલ વિઝા માટે અરજી કરી શકે છે.  

અગાઉના આદેશમાં ગૃહ મંત્રાલયે ભારતના પ્રવાસે આવવા માટે OCI કાર્ડહોલ્ડરોની ચાર કેટેગરી નક્કી કરી હતી, જે નીચે મુજબ છેઃ

  1. OCI કાર્ડ ધરાવતા સગીર વયના બાળકો, અને જેમનાં માતાપિતા ભારતીય નાગરિક છે.
  2. OCI કાર્ડહોલ્ડર્સ કે જે તત્કાળ પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય અથવા મેડિકલ ઇમર્જન્સી માટે ભારત આવવાની ઇચ્છા ધરાવતા હોય
  3. દંપતીમાંથી કોઈ એક OCI કાર્ડહોલ્ડર હોય છે બીજું સભ્ય ભારતીય નાગરિક હોય.
  4. OCI કાર્ડહોલ્ડર સ્ટુડન્ટ્સ અને તેનાં માતા-પિતામાંથી કમસે કમ એક જણ ભારતીય નાગરિક હોય કે OCI કાર્ડહોલ્ડર હોય.

પરંતુ હવે નવા નિયમો લાગુ થવાથી બધા OCI અને PIO કાર્ડહોલ્ડરો ભારત આવી શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]