‘મેડ ઈન ઈન્ડિયા’ યુદ્ધજહાજ ‘INS કવરત્તી’ ભારતીય નૌકાદળમાં સામેલ…

ભારતીય ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા એન્ટી-સબમરીન વોરફેર સ્ટીલ્ધ કોર્વીટ યુદ્ધજહાજ ‘INS કવરત્તી’નું 22 ઓક્ટોબર, ગુરુવારે ભારતીય નૌકાદળમાં વિધિસર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યુદ્ધજહાજને કોલકાતાસ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ (GRSE) કંપનીએ બનાવ્યું છે. વિશાખાપટનમના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત આ માટેના કાર્યક્રમમાં લશ્કરી વડા જનરલ મનોજ નરવણે, રિયર એડમિરલ (નિવૃત્ત) અને GRSEના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વી.કે. સક્સેના તથા ભારતીય નૌકાદળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સબમરીન-વિરોધી યુદ્ધજહાજ સામેલ થવાથી ભારતીય નૌકાદળની તાકાત ઘણી વધી જશે. આ યુદ્ધજહાજ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે દુશ્મનોના રડારની પકડમાં નહીં આવે.

આ યુદ્ધજહાજ સામેલ થવા સાથે જ ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરી બતાવી છે.

આ જહાજ બનાવવા બદલ જનરલ નરવણેએ ભારતીય નૌકાદળને અને ટીમ કરવત્તીને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છા આપી હતી. એમણે કહ્યું કે આ જહાજ મળવાથી આપણા દેશ માટે સમુદ્રી લક્ષ્યો હાંસલ કરવા માટેનું એક મહત્ત્વનું કદમ છે.

કરવત્તી નામ ભારતની માલિકીના ટાપુઓના સમૂહ અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પાટનગરના નામ પરથી રાખવામાં આવ્યું છે.

આ જહાજ પર 12 નેવી ઓફિસરો અને 134 જવાન-ખલાસીઓ રહેશે. આ ટીમના કમાન્ડિંગ ઓફિસર છે કમાન્ડર સંદીપ સિંહ.

3,300 ટન વજનના આ જહાજની લંબાઈ 190 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. આ અત્યાધુનિક શસ્ત્રો, રોકેટ લોન્ચર્સ અને સેન્સરથી સજ્જ છે. એના સેન્સરને કારણે દુશ્મનોની સબમરીનોનો પતો લગાવી શકાશે અને એનો પીછો પણ કરી શકાશે. શસ્ત્રો અને સેન્સર બધું સ્વદેશી છે.