SCની પતંજલિને ભ્રામક જાહેરાત બંધ કરવા ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને જાહેરાતને મામલે આકરી ફટકાર લગાવી છે. કોર્ટે આકરી ટિપ્પણી કરી અને ભારે દંડ ફટકારવાની ચેતવણી ઉચ્ચારી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને પતંજલિની જાહેરાતોને ભ્રામક જણાવતાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે કંપનીના ખોટા દાવા કરવાના અને ભ્રામક જાહેરાતથી બચવા માટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે અમે એલોપથી વિરુદ્ધ આયુર્વેદની દલીલમાં તબદિલ નથી કરવા ઇચ્છતા, પરંતુ મેડિકલથી જોડાયેલી ભ્રામક જાહેરાતોની સમસ્યાનું સમાધાન લાવવાનું રહેશે. કોર્ટે કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદ એની બધી ખોટી અને ભ્રામક જાહેરાતોને તત્કાળ અટકાવે. કોર્ટ એવાં કોઈ પણ ઉલ્લંઘનને ઘણી ગંભીરતાથી લેશે અને જો જાહેરાતમાં કોઈ ખાસ બીમારીને ઠીક કરવાનો ખોટો દાવો કરવામાં આવશે તો કોર્ટ પ્રતિ જાહેરાત રૂ. એક કરોડ સુધીનો દંડ ફટકારવા પર વિચાર કરશે.ખંડપીઠે આ સમયસ્યાને ગંભીર જણાવતાં એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજને કહ્યું હતું કે કેન્દ્ર સરકારને સમસ્યાથી નીપટવા માટે સમાધાન શોધવું પડશે. સરકાર સાથે વિચારવિમર્શ પછી ભાલમણો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ મામલે આગામી સુનાવણી હવે પાંચ ફેબ્રુઆરી, 2024એ થશે.

ગયા વર્ષે બાબા રામદેવે મોર્ડન મેડિસિન સિસ્ટમની વિરુદ્ધ નિવેદન આપ્યા હતા. IMAની અરજી પર નોટિસ જારી કરતાં કોર્ટે બાબાને આવા નિવેદનોથી બચવાના નિર્દેશો આપ્યા હતા.