બિહારમાં નીતીશકુમારને આ યુવતીએ પડકાર્યા

પટનાઃ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ સુપ્રીમો અને મુખ્ય પ્રધાન નીતીશકુમાર NDA ગઠબંધનના જાહેર કરેલા મુખ્ય પ્રધાન છે. બીજી બાજુ વિપક્ષી મહાગઠબંધન દ્વારા રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવની દાવેદારી છે. જોકે ત્રીજા મુખ્ય પ્રધાન ચહેરાના રૂપમાં એક યુવતી પુષ્પમ પ્રિયા ચૌધરીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તેણે મુખ્ય પ્રધાન નીતીશકુમારની સામે ચૂંટણી જંગમાં ઊતરવાની જાહેરાત કરી છે. પુષ્પમ ભૂતપૂર્વ જેડીયુ નેતા અને વિધાનસભ્ય વિનોદ ચૌધરીની પુત્રી છે.

લંડનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી આ યુવતી હવે બિહારને બદલવા ઇચ્છે છે. એના માટે તેણે ન્યૂઝપેપર્સમાં જાહેરાત આપીને રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત દ્વારા ખુદને મુખ્ય પ્રધાન ઉમેદવાર જણાવી છે. તેણે પ્લુરલ્સ નામથી પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત દ્વારા લોન્ચ કરી છે. તેણે બિહારની જનતાને એક પત્ર લખીને સાથ આપવાની અપીલ કરી છે.

ટ્વીટ કરીને બિહારમાં પરિવર્તન કરવાની જરૂરિયાત પર મૂક્યો ભાર

પુષ્પમે તેના ટ્વીટર હેન્ડલ પર એની જાહેરાત કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે બિહારમાં બદલાવની જરૂર છે અને પ્લુરલ્સની પાસે એના માટે 2025 અને 2030નો રોડમેપ છે. તેણે એક અન્ય ટ્વીટમાં બિહારમાં પરિવર્તન અને વિકાસની વાત કરી હતી તથા રાજ્યની જનતાને પોતાની પાર્ટી સાથે જોડાવાની અપીલ કરી હતી.  

ભૂતપૂર્વ જેડીયુના નેતાની પુત્રી

પુષ્પમ પ્રિયા ચૌધરી બિહારની દરભંગાની મૂળી નિવાસી છે. મુખ્ય પ્રધાન નીતીશકુમારની સામે ચૂંટણીજંગમાં કૂદનારી પુષ્પમ ભૂતપૂર્વ જેડીયુ નેતા વિધાનસભ્ય વિનોદ ચૌધરીની પુત્રી છે. પુષ્પમના કાકા અજય ચૌધરી દરભંગામાં જેડીયુના જિલ્લાઅધ્યક્ષ છે તો દિવંગત દાદા ઉમાકાંત ચૌધરીને મુખ્ય પ્રધાન નીતીશકુમારની એકદમ નજીકના માનવામાં આવે છે.

વિદેશમાં શિક્ષણ લઈને બિહાર બદલવાનું સપનું

તેણે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિક્લ સાયન્સથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં MAની ડિગ્રી લીધી છે. તેણે ઇન્ગલેન્ડની યુનિવર્સિટી ઓફ સસેક્સથી ફણ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં MA કર્યું છે. તેણે બિહારના નામે પત્ર લખીને કહ્યું છે કે તે બિહારનાં બાળકોના સારા ભવિષ્યની ગેરન્ટી આપે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]