બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં અડવાણીસહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

લખનઉઃ 1992ની સાલમાં ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટનામાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 28 વર્ષ બાદ, આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. એણે આ કેસના તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ – ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહનો પણ સમાવેશ થાય છે.

કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ સીબીઆઈ તપાસ એજન્સી આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં અને રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.

જજ એસ.કે. યાદવે કહ્યું કે આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરાયો નથી. નેતાઓએ તે સ્થળે લોકોના ટોળાને રોકવાની કોશિશ કરી હતી. મસ્જિદ ધ્વંસ ઘટના પૂર્વ નિયોજિત નહોતી.

આ 32 આરોપીઓએ બાબરી મસ્જિદ તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું એવો તેમની પર આરોપ મૂકાયો હતો, પણ ફરિયાદી પક્ષ તે સાબિત કરવામાં નિષ્ફળ જતાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે જ તમામને આજે નિર્દોષ જાહેર કરી દીધા છે.

અડવાણી અને જોશીએ નાદુરસ્ત તબિયત તથા ઉમા ભારતી અને કલ્યાણ સિંહે કોરોનાની બીમારીને કારણે આજની સુનાવણી લખનઉ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવી હતી.

કોર્ટની સુનાવણીમાં અડવાણી સહિતના મુખ્ય આરોપીઓ વિડિયો કોન્ફરન્સિંગ મારફત હાજર રહ્યાં હતાં.

32માંના 26 આરોપીઓ આજે કોર્ટમાં હાજર રહ્યાં હતાં. એમાં સાધ્વી ઋતંભરા, સાક્ષી મહારાજ, વિનય કટિયાર અને ચંપતરાય બંસલનો સમાવેશ થાય છે.

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં કુલ 49 જણ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. એમાંના 17 જણ અવસાન પામ્યા છે. બાકીના 32 જણ હજી પણ આરોપી હતા. અવસાન પામેલા આરોપીઓમાં શિવસેનાના સ્થાપક પ્રમુખ બાલ ઠાકરે, અશોક સિંઘલ, મહંત અવૈદ્યનાથ, ગિરીરાજ કિશોર અને વિજયારાજે સિંધીયાનો સમાવેશ થાય છે.

ખટલા દરમિયાન સીબીઆઈ એજન્સીએ સીબીઆઈ કોર્ટમાં 351 સાક્ષીઓને તથા 600 દસ્તાવેજો રજૂ કર્યા હતા.

સીબીઆઈએ 1993ની 27 ઓગસ્ટથી આ કેસમાં તપાસ શરૂ કરી હતી. આ મામલો 26 વર્ષ સુધી લટકતો રહ્યો હતો. 2017ની 19 એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી આ કેસ ચાલશે ત્યાં સુધી એના જજની બદલી પણ કરી શકાશે નહીં.