ખેડૂતો-સરકાર વચ્ચે ચર્ચાનો નવો દોર 30 ડિસેમ્બરે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં એક મહિનાથી પણ વધુ સમયથી આંદોલન કરી રહેલા હજારો ખેડૂતોના આગેવાનોને આ મામલે ચર્ચા કરવા માટે સરકારે ફરી કહેણ મોકલ્યું છે અને 30 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. બે દિવસ પહેલાં ખેડૂતોના સંગઠનોએ સરકાર સાથે ચર્ચા કરવા માટે તૈયારી દર્શાવી હતી. આજે સરકારે એમના પ્રસ્તાવનો સ્વીકાર કરીને એમને 30 ડિસેમ્બરે ચર્ચા કરવા માટે બોલાવ્યા છે.

આ ચર્ચા બપોરે બે વાગ્યે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. પત્ર પર કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સચિવે સહી કહી છે. બેઠક ખેડૂત આગેવાનો અને કેન્દ્રીય પ્રધાનમંડળ વચ્ચે યોજાશે. ચર્ચાનો આ છઠ્ઠો દોર હશે. અગાઉના પાંચ દોર નિષ્ફળ ગયા છે. ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે અમે બેઠકમાં હાજરી આપીશું. જો સરકાર અમારી માગણીઓ નહીં સ્વીકારે તો અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. જો સ્વીકારશે તો અમે અન્ય મુદ્દાઓ પર આગળ વધીશું.