સરહદે સેનાની જવાબી કાર્યવાહીમાં છ પાક સૈનિક ઢેર

દિલ્હીઃ વિશ્વઆખું કોરોના સામે જંગે ચઢ્યું છે અને પાક હજી પણ એની નાપાક હરકતોથી બાજ નથી આવતું અને સુધરવાનું નામ નથી લેતું. જોકે ભારતે પાકિસ્તાની સેનાનો જડબાતોડ જવાબ આપ્યો છે. સરહદ પારથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલું ફાયરિંગ એને જ ભારે પડી ગયું હતું. ગઈ કાલે સવારે 11 કલાકે પાકિસ્તાની સેના દ્વારા આવેલા ફાયરિંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ કેરન ક્ષેત્રમાં સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કમસે કમ છ પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા અને 10 જખમી થયા હતા. આ ઉપરાંત પાકિસ્તાની તોપોને પણ નુકાસન થયું હતું. આ સાથે પાકિસ્તાની સેના હથિયાર ડેપો અનમે પોસ્ટ સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવ્યા હતા.

આતંકવાદી માર્યા ગયા હોવાની શક્યતા

સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન જૈસ એ મોહમ્મદના લોન્ચ પેડ પણ ખતમ થયા હતા. આ જગ્યાએ આતંકકવાદીઓના બે ગ્રુપ હતા અને આ ગ્રુપમાં 10-10 આતંકવાદીઓ હતા. અનુમાન છે કે બંને ગ્રુપોના આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. પાકિસ્તાને બપોરે 11.30 કલાકે ફાયરિંગ શરૂ કર્યું હતું અને 2.30 કલાક સુધી આ ગોળીબાર ચાલુ હતો. કેટલાક દિવસો પહેલાં કેરન સેક્ટરમાં જ સેનાએ પાંચ ઘૂસણખોરોને ઢેર કર્યા હતા. આ કાર્યવાહીમાં સેનાના પાંચ જવાન પણ શહીદ થયા હતા.

પાક સેનાનાં કેટલાંય બંકરો નેસ્તનાબૂદ

સેના પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાક સેનાનાં કેટલાંય બંકરો નેસ્તનાબૂદ થઈ ગયાં છે. સેના દ્વારા એરિયલ ફુટેજથી મળ્યા છે, જેમાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે.  વિશ્વઆખું કોરોના વાઇરસની બીમારી સામે લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન એની આંતકવાદી પ્રવૃત્તિ બંધ કરવાનું નામ નથી લેતું.