દુકાનદારોએ પોતાની ઓળખ બતાવવી જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કાંવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટ પર વચગાળાનો સ્ટે મૂકતાં કહ્યું હતું કે દુકાનદારોએ ઓળખ બતાવવાની જરૂર નથી. આ સિવાય કોર્ટે UP, ઉત્તરાંખંડ અને મધ્ય પ્રદેશને પણ નોટિસ જારી કરી છે અને શુક્રવાર સુધી જવાબ માગ્યો છે.

કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ બસ ખાદ્ય પ્રકારનો પ્રકાર બતાવવાનો રહેશે. દુકાનદાર દુકાન પર શાકાહારી કે માંસાહારી- કયા પ્રકારના ખાદ્ય પદાર્થ વેચી રહ્યા છે, બસ, એ જણાવવાનું રહેશે.

સુપ્રીમ કોર્ટે હવે યોગી સરકારના આ ફરમાન પર વચગાળાનો સ્ટે મૂકતાં આદેશ કર્યો હતો કે કોઈ દુકાનદારે તેમની દુકાન કે લારી-ગલ્લાં બહાર નેમ પ્લેટ લગાવવાની જરૂર નથી. આ મામલામાં આગામી સુનાવણી 26મી જુલાઈના રોજ થશે. સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે દુકાનોના માલિકો અને કર્મચારીઓને તેમનાં નામ લખવા માટે દબાણ ન કરવું જોઈએ., ઉત્તર પ્રદેશ સરકારના આદેશને NGO એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં જસ્ટિસ હૃષિકેશ રાય અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચે સુનાવણી કરી હતી.

શું છે મામલો?

સુપ્રીમ કોર્ટે કાંવડ યાત્રા –નેમ પ્લેટ વિવાદ મામલે સુનાવણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કાંવડ યાત્રાના રૂટ પર દુકાનદારોને પોતાની ઓળખ બતાવવા કહેવામાં આવ્યું હતું. આ કેસમાં કેટલીય દુકાનોનાં નામ હિન્દુઓનાં નામ પર રાખવામાં આવ્યાં હતા, પરંતુ તેમના માલિક મુસ્લિમ હતા. વિરોધ પક્ષો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા.