કર્ણાટકમાં ભાજપને આંચકોઃ ભૂતપૂર્વ CM શેટ્ટાર કોંગ્રેસમાં જોડાયા

બેંગલુરુઃ કર્ણાટકમાં 10 મેએ થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પ્રભાવશાળી લિંગાયત નેતા જગદીશ શેટ્ટાર કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં નારાજગી વ્યક્ત કર્યા પછી અસંતુષ્ટ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જગદીશ શેટ્ટારે એક દિવસ પહેલાં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.છ વાર વિધાનસભ્ય 67 વર્ષીય જગદીશ શેટ્ટાર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા, કેસી વેણુગોપાલ, રણદીપ સૂરજેવાલા અને કર્ણાટકઅધ્યક્ષ ડીકે શિવકુમારની હાજરીમાં સોમવારે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા. ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે જે લોકોએ પાર્ટી બનાવી- તેમને પાર્ટીની બહારથી બહાર કરવામાં આવી રહ્યા છે.

શનિવાર રાત્રે મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ અને બે કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને ધર્મેન્દ્ર પ્રધાન સાથે વાતચીત નિષ્ફળ રહ્યા પછી શેટ્ટારે રવિવારે વિધાનસભામાં રાજીનામું આપ્યું હતું. શેટ્ટારે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તેમને પાર્ટીએ ટિકિટ નહીં આપીને અપમાનિત કર્યા છે અને સત્તાધારી પક્ષમાં તેમની સામે એક કાવતરું રચવામાં આવ્યું હતું.

શેટ્ટારના કોંગ્રેસમાં સામેલ થવા પર કોંગ્રેસઅધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે એનાથી શક્તિ મળશે અને એકજુટતા પણ થશે. કર્ણાટકમાં જે હાલ વાતાવરણ બની રહ્યું છે, એનાથી બધા લોકો ખુશ છે અને બધા નેતા અમારી સાથે જોડાઈ રહ્યા છે. પ્રભાવશાળી લિંગાયત નેતાએ કહ્યું હતું કે કેટલાક લોકો પોતાના સ્વાર્થને કારણે તેમને ચૂંટણીમેદાનમાં નહીં ઉતારવા માગતા હતા.