પટનાઃ બિહારમાં જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધનાથ મંદિરમાં રવિવારે મોડી રાત્રે થયેલી ભાગદોડમાં કમસે કમ સાત શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે અને 16 અન્ય ઘાયલ થયા છે. આ મૃતકોમાં મોટા ભાગના કાંવડિયા સામેલ હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
જિલ્લા અધિકારી અલંકૃતા પાંડેએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું પ્રતીત થાય છે કે કાંવડિયામાં કોઈ બાબતે વિવાદ થયો હતો. જે પછી તેમની વચ્ચે વાદવિવાદ અને મારપીટ થઈ હતી, જેથી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના રવિવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બની હતી.
પોલીસ વહીવટી તંત્રનું કહેવું છે કે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને ઘાયલોની સારવાર ચાલી રહી છે. અકસ્માત અંગે માહિતી મળી છે કે જલાભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા હતા, પરંતુ આ દરમિયાન ભક્તોમાં મારામારી થઈ હતી અને લોકો એકબીજા પર પડ્યા હતા. આ અકસ્માતમાં જ સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે. ધાર્મિક સ્થળો પર ભીડ એકઠી થવી એ સામાન્ય બાબત છે અને પછી આવા અકસ્માતો સર્જાય છે. થોડા મહિના પહેલા હાથરસમાં પણ આવો જ ભયંકર અકસ્માત થયો હતો, મોટી સંખ્યામાં લોકો ભોલે બાબાના સત્સંગમાં પહોંચ્યા હતા, ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને 120થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે કિસ્સામાં પણ બેદરકારી એક મોટું કારણ હતું, અહીં બિહાર અકસ્માતમાં પણ વહીવટનો અભાવ મુખ્ય કારણ માનવામાં આવે છે.