જજોની નિયુક્તિ પર કાયદા મંત્રાલયની દખલથી CJI નારાજ, PMને કરી ફરિયાદ

નવી દિલ્હી- RBI અને CBI સાથે ખેંચતાણ બાદ હવે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની નારાજગી સહન કરવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ CJI રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા જજોની નિયુક્તિની ભલામણને લઈને કેટલાંક નામ પર કાયદા મંત્રાલયની મંજૂરી નહીં મળવાનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવ્યો છે.જજોની નિયુક્તિની ભલામણ સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા કરવામાં આવે છે. તેમને આ નામ દેશભરની હાઈકોર્ટમાંથી મળે છે. આખી પ્રક્રિયાનું પાલન કર્યા બાદ કોલેજીયમ આ નામ કેન્દ્ર સરકાર પાસે મોકલે છે. જેથી નિયુક્તિનો આદેશ જારી કરી શકાય. હાઈકોર્ટ માટે જજ ઉમેદવારોના નામ મોકલતા પહેલાં કોલેજીયમ તેમના મેરિટ, ઈમાનદારી અને કેન્ડિડેટ્સ માટે IBની રિપોર્ટ પર વિચાર કરે છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોલેજીયમ દ્વારા મોકલવામાં આવેલા નામમાંથી પસંદગીના નામ પર મોહર લગાવીને મંત્રાલય જજોની નિયુક્તિના અધિકારને છીનવી રહ્યું છે. તેઓ જજોની વરિષ્ઠતા સાથે પણ ચેડા કરી રહ્યાં છે. જસ્ટિસ એમ. જોસેફ સાથે પણ આવું થયું હતું. કાયદા મંત્રાલયે તેમની વરિષ્ઠતા જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા, જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ વિનીત શરણથી પણ ઓછી કરી હતી.

મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટની ભલામણો સાથે આ પ્રકારે કરવું એ ગંભીર ચિંતાનો વિષય છે અને CJIએ આ મુદ્દાની વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી છે. જસ્ટિસ ગોગોઈના નેતૃત્વમાં કોલેજીયમ એ યાદી ઉપર પણ સમીક્ષા કરશે, જેની નિયુક્તિની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ મંત્રાલયે તેના પર મંજૂરી આપી નહતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]