જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીને કર્યા ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મળી છે, જેમાં પાંચ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઢેર કર્યા છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે.

સુરક્ષા દળોને સંદિગ્ધ આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી. ત્યાર પછી કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં દળોએ ઘેરાવ કર્યો હતો, જેમાં આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં બે જવાન પણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યાર પછી સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી છે.

ચિનાર કોર્પ્સે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે કુલગામના કદ્દેરમાં 19મી ડિસેમ્બરે આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કદ્દેર, કુલગામમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરમાં જે બે જવાનો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

આ પહેલાં ત્રીજી ડિસેમ્બરે સુરક્ષા દળોએ શ્રીનગર જિલ્લામાં એક ઓપરેશન દરમિયાન જુનૈદ અહેમદ ભટ્ટ નામના આતંકીને ઠાર માર્યો હતો. ત્યારે પોલીસે માહિતી આપી હતી કે જુનૈદ અહેમદ ભટ્ટે ગગનગીર, ગાંદરબલ અને અન્ય ઘણી જગ્યાએ નાગરિકો પર હુમલામાં સામેલ હતો.

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2024માં અત્યાર સુધી 45 આતંકવાદીઓના મોત થયાં હતાં, જ્યારે આ વર્ષના નવેમ્બરના પહેલા સપ્તાહ સુધી આતંકવાદીઓની ઘટનામાં નાગરિકોના મોતનો આંકડો ઘટીને 14 થયો છે.