અયોધ્યા વિવાદના કાયમી સમાધાનનો ભાર આ ત્રણ મધ્યસ્થીઓ પર, તેમના વિશે જાણો

નવી દિલ્હી : દસકાઓ જૂના રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદનું ‘કાયમી સમાધાન’ લાવવા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આગામી 15મી માર્ચથી શરૂ કરીને આઠ અઠવાડિયા દરમિયાન ત્રણ સભ્યોની એક પેનલ આ મુદ્દાના કાયમી સમાધાન માટે કામ કરશે. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે શુક્રવારે જમીન વિવાદમાં મધ્યસ્થતા માટે ત્રણ સભ્યોની પેનલ બનાવી છે. આ પેનલનું વડપણ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ફકીર મોહમદ ઇબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. અન્ય બે સભ્યોમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને મધ્યસ્થતા નિષ્ણાત શ્રીરામ પંચુનો સમાવેશ થાય છે.

કોણ છે જસ્ટિસ (રીટાયર્ડ) એફએમઆઈ ખલીફુલ્લાહ?

જસ્ટિસ ખલીફુલ્લાહ એપ્રિલ, 2012માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક પામ્યાં હતાં. પરંતુ જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં કામ કરતી વખતે જ તેમની મહત્તાના દર્શન થઈ ગયા હતાં. જસ્ટિસ ખલીફુલ્લાહે 20મી ઓગસ્ટ, 1975ના રોજ કાયદાનો અભ્યાસ પૂરો કર્યો હતો અને વકીલની ડીગ્રી મેળવી હતી. બાદમાં તેમણે ટીએસ ગોપાલન એન્ડ કો નામની લો પેઢીમાં લેબર લોની પ્રેક્ટિસ શરૂ કરી હતી. બીજી માર્ચ, 2000ના રોજ તેમની નિમણૂક મદ્રાસ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી, 2011ના રોજ તેમની નિમણૂક જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. સપ્ટેમ્બર, 2011ના રોજ તેઓ જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. બાદમાં બીજી એપ્રિલ, 2012ના રોજ તેમનું પ્રમોશન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે થયું હતું. સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશન તરફથી યોજવામાં આવેલા વિદાય સમારંભમાં બીસીસીઆઈ વહિવટીતંત્રનો કેસ ઉકેલવા માટે જસ્ટીસ ખલીફુલ્લાહે આપેલા મહત્વના યોગદાનનો તત્કાલીન ચીફ જસ્ટિસે ઉલ્લેખ કર્યો હતો.

શ્રી શ્રી રવિશંકર આ પહેલા 4 મામલાઓમાં મધ્યસ્થતા કરી ચૂક્યાં છે.

રામજન્મ ભૂમિ વિવાદ મામલે મધ્યસ્થી માટે રચાયેલી ત્રણ સભ્યોની કમિટીમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  શ્રી શ્રી રવિશંકર આ પહેલાં પણ રાષ્ટ્રીય સ્તરે ચાર મામલાઓમાં મધ્યસ્થી કરી ચૂક્યાં છે. અગાઉ રવિશંકરે સરકાર અને  બાબા રામદેવની વચ્ચે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરી હતી. સરકાર માની ગઈ અને રવિશંકરે રામદેવ સાથે ત્રણ વાર મુલાકાત પણ કરી હતી પરંતુ વાત ન બની શકી. ઉલટું વાત એટલી બગડી ગઈ કે અડધી રાતે રામદેવ સમર્થકો પર લાઠીચાર્જ થયો અને રામદેવને ત્યાંથી છુપાઈને ભાગવું પડ્યું. બાદમાં પોલીસે રામદેવને કસ્ટડીમાં પણ લઈ લીધાં હતાં.

કશ્મીર મુદ્દો: જુલાઈ 2016માં આતંકી બુરહાન વાનીને ભારતીય સેનાના એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ત્યારબાદથી કાશ્મીર ઘાટી અશાંત થઈ ગઈ અને પથ્થરબાજીની ઘટનાઓએ જોર પકડી લીધું. આ દરમિયાન પથ્થરબાજી રોકવા અને કશ્મીરને શાંત કરવાના મુદ્દે શ્રી શ્રી રવિશંકરે મધ્યસ્થતાનો પ્રયાસ શરૂ કર્યો. રવિશંકરે બુરહાન વાનીના પિતાને બેંગલુરૂ બોલાવીને વાતચીત પણ કરી અને અનેક અલગતાવાદી નેતાઓને પણ મળ્યાં. જોકે રવિશંકરના પ્રયાસો લેખે ન લાગ્યાં અને કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનાઓ ચાલતી રહી. વર્ષ 2017માં શ્રી શ્રી રવિશંકરે નક્સલવાદ સમસ્યાથી ભારતને મુક્તિ અપાવવા માટે મધ્યસ્થતાની જાહેરાત કરી દીધી હતી.

રામ મંદિર મામલામાં મધ્યસ્થતાને લઈને પહેલાં પણ રવિશંકર પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યાં હતાં. જોકે તેઓએ આ મુદ્દે પહેલાં પણ અનેકવાર અંગત મત જાહેર કર્યો છે કે મુસલમાનોને મોટું દિલ દર્શાવતા રામ મંદિર બનાવવા દેવું જોઈએ. મુસલમાનો જ્યાં પણ મસ્જિદ બનાવવા માગે તેના માટે રવિશંકર મદદ કરવા માટે તૈયાર છે.

શ્રીરામ પંચૂના નામને લઈને લોકોમાં ઉત્સુકતા

રામ જન્મ ભૂમિના કાયમી સમાધાન માટે ત્રણ સભ્યોની સમિતિમાં વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂનો સમાવેશ કરાતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, શ્રીરામ પંચૂ આ પહેલાં પણ ઘણા મામલાઓમાં મધ્યસ્થીની ભૂમિકા અદા કરી ચૂક્યાં છે. તે એક પ્રોફેશનલ મધ્યસ્થ છે. અને તેમણે દેશમાટે ઘણા વિવાદિત મામલાઓમાં સમાધાન માટે મહત્વનું યોગદાન આપ્યું છે. પંચૂ એક મિડિએટર ચેમ્બરના સંસ્થાપક પણ છે. આ સંસ્થા મધ્યસ્થાની સેવા આપે છે. વકીલાતમાં તેમનો કુલ અનુભવ 40 વર્ષનો છે, અને છેલ્લા 20 વર્ષથી તે એક એક્ટિવ મિડેએટર છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]