પ્રદૂષણ મામલે SCની પંજાબ, દિલ્હી સરકારને ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણ મુદ્દે પંજાબને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું હતું કે આ રાજકીય લડાઈનું મેદાન નથી. રાજકીય બ્લેમગેમને અટકાવો. આ લોકોના આરોગ્યની હત્યાની સમાન છે. તમે આ મામલાને અન્ય પર થોપી શકો નહીં. તમે પરાલી સળગાવવાનું કેમ રોકી નથી શકતા?

પંજાબ સરકારના વકીલે કહ્યું હતું કે પંજાબમાં 40 ટકા પરાલી સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. અમે પગલાં લઈ રહ્યા છીએ. દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણને મામલે દિલ્હી અને પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. દિલ્હી સરકારે આ સોગંદનામામાં કહ્યું હતું કે પ્રદૂષણને કાબૂમાં કરવા માટે કેટલાંક મોટાં પગલાં લેવામાં આવ્યાં છે, જ્યારે પંજાબ સરકારે કહ્યું હતું કે પરાલી સળગાવવા મુદ્દે રાજ્ય સરકાર ગંભીર છે. કોર્ટે કહ્યું હતું કે અમે નીતિ વિષયક મુદ્દોમાં પ્રવેશ નથી કરતા, પરંતુ જો લોકો મરી રહ્યા છે તો અમે નીતિ વિષયક મામલે દખલ દઈશું.દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાન પરાલી સળગતી તત્કાળ અટકાવે. ચીફ સેક્રેટર અને DGP એ સુનિશ્ચિત કરે.

કોર્ટે પરાલી મુદ્દે યુપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી સહિત રાજ્યો અને કેન્દ્રને બેઠક બોલાવવા પણ નિર્દેશ આપ્યા હતા. કોર્ટ આ મામલે આગામી સુનાવણી શુક્રવારે કરશે. કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે આ મુદ્દે તત્કાળ સમાધાન થવું જોઈએ. આ મામલે અમારી ધીરજ ખૂટી રહી છે. કોર્ટે કહ્યું હતું કે સરકારે આકરાં પગલાં ઉઠાવવાં જોઈએ, નહીં તો અમે બુલડોઝર ચલાવવાનું શરૂ કર્યું તો અમે થોભીશું નહીં.