દેશની તમામ સંસ્થાઓ પર RSSનો કબજોઃ રાહુલ ગાંધીનો આરોપ

નવી દિલ્હીઃ શિયાળુ સત્રના સાતમા દિવસે લોકસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે ભાષણ આપતાં જ શરૂઆતમાં RSS પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશની તમામ સંસ્થાઓ પર RSSએ કબજો કરી લીધો છે.

રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો કે દેશમાં મતચોરી ચાલી રહી છે. ચૂંટણી પંચ પર સીધો કબજો કરી લેવામાં આવ્યો છે અને તેઓ આ વાત કોઈ પુરાવા વગર કહી રહ્યા નથી – તેમના પાસે પાકા પુરાવા છે. ચૂંટણી પંચનો ઉપયોગ ભારતીય ચૂંટણીને પ્રભાવિત કરવા માટે થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે મતચોરી કરતાં મોટું રાષ્ટ્રવિરોધી કાર્ય બીજું કોઈ નથી.

ECની પસંદગીમાંથી CJIને કેમ દૂર કરવામાં આવ્યા?

રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો કે ચૂંટણી કમિશનરની પસંદગીમાંથી મુખ્ય ન્યાયાધીશ (CJI)ને કેમ દૂર કરવામાં આવ્યા છે? જો ફક્ત વડા પ્રધાન અને ગૃહ મંત્રી જ રહેશે તો તેમની અવાજની કિંમત શું રહી જશે? PM મોદી અને અમિત શાહ પોતાની પસંદના ચૂંટણી કમિશનરને કેમ પસંદ કરવા માગે છે? CCTV સંબંધિત કાયદો કેમ બદલાયો છે? આ ડેટાનો નહીં, પરંતુ ચૂંટણી ચોરવાનો ખેલ છે. મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી કમિશનરોને કાબૂમાં લઈ લેવા પાછળ શું રમત ચાલી રહી છે?

રાહુલ ગાંધીએ મતચોરીના આક્ષેપ લગાવ્યા

તેમણે RSSનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશની તમામ યુનિવર્સિટીના કુલપતિ RSSના છે. આ પર સત્તા પક્ષના સાંસદોએ હોબાળો શરૂ કર્યો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલને વિષય પર જ વાત કરવાની સૂચના આપી અને કહ્યું હતું કે કોઈ સંસ્થાનું નામ ન લેવું.

એ દરમિયાન સંસદીય કાર્યપ્રધાન કિરણ રિજિજુએ કહ્યું હતું કે અહીં તમામ લોકો નેતા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની વાત સાંભળવા માટે જ બેઠા છે, જો તેઓ વિષય પર બોલતા નથી તો સૌનો સમય શા માટે બગાડી રહ્યા છે?