બાઘમુંડીઃ તૃણમૂલ કોંગ્રેસની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળની સરકારની તીખી આલોચના કરતાં ગૃહપ્રધાન અમિત શાહે મમતા બેનરજી પર 115 કૌભાંડ કરવાનો આરોપ મૂક્યો છે. પશ્ચિમ બંગાળના પુરુલિયાના બાગમુંડીમાં એક જાહેર સભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે મમતા દીદીએ તમને ફ્લોરાઇડેટેડ પાણી આપ્યું છે. એક વાર જ્યારે તમે દીદીને અહીંથી હટાવી દેશો તો ભાજપની સરકાર રૂ.10,000 કરોડનો ખર્ચ કરીને તમારા માટે પાણી લાવશે. મમતા સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે કોમ્યુનિસ્ટોએ અહીં ઉદ્યોગો સ્થાપિત નથી થવા દીધા. દીદીએ ઉદ્યોગોને પણ દૂર કર્યા છે. ટીએમસી કે ડાબેરીઓ તમને રોજગાર નથી આપી શકતા. જો તમે રોજગાર ઇચ્છો છો તો એનડીએ સરકારને મત આપો.
વડા પ્રધાન રાજ્યના વિકાસ માટે 115 યોજનાઓ લાવ્યા છે, પણ રાજ્ય એ યોજના લાગુ નથી કરી. ભાજપ સરકાર સત્તામાં આવશે તો રાજ્યના ખેડૂતોના બેન્ક ખાતાઓમાં રૂ. 18,000 ટ્રાન્સફર કરાશે, એમ તેમણે કહ્યું હતું. શાહે સભામાં આદિવાદી લોકોના વિકાસ માટે કામ કરવાનું વચન આપ્યું હતું. અમે આદિવાસીઓ માટે એક બોર્ડ અને બીજું વિકાસાત્મક બોર્ડ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ આ ક્ષેત્રને રેલવે સાથે જોડવાનું કામ પણ શરૂ કર્યું છે.
અમે જાહેર ક્ષેત્રની મહિલાઓ માટે 33 ટકા નોકરીઓને અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. અમે દરેક બ્લોકમાં એકલવ્ય મોડલ સ્કૂલ પણ બનાવીશું. રાજ્યમાં બધી મહિલાઓ માટે જાહેર પરિવહન મફત હશે. ગૃહપ્રધાને મમતાની તુલના ડેંગ્યુ અને મલેરિયાથી કરી હતી. દીદી ડેંગ્યુ અને મલેરિયા ગ્રસ્ત મિત્ર જેવી છે. જો તમે ડેંગ્યુ અને મલેરિયાથી છુટકારો મેળવવા ઇચ્છો છો તો તમે ભાજપને મત આપો. 294 સભ્યોની વિધાનસભાની ચૂંટણી 27 માર્ચથી શરૂ થશે. આ ચૂંટણી આઠ તબક્કામાં યોજાશે. ચૂંટણી પરિણામ બીજી મેએ આવશે.