ભારતે કોરોનાવાઈરસ-વિરોધી રસીની નિકાસ બંધ નથી કરી

નવી દિલ્હીઃ ભારતમાં 1-એપ્રિલથી 45-વર્ષથી વધુ વયનાં તમામ નાગરિકોને કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે તે છતાં ભારત ‘વેક્સિન મૈત્રી’ સંકલ્પ અંતર્ગત તેના ભાગીદાર દેશોને કોરોના-રસી સપ્લાય કરવાનું ચાલુ જ રાખશે. સરકારે આ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો નથી. ભાગીદાર દેશોને આગામી મહિનાઓમાં તબક્કાવાર રસી સપ્લાય કરવામાં આવશે.

ભારત દેશ અત્યાર સુધીમાં 75થી વધારે દેશોને ભારતમાં નિર્મિત કોવિડ19-રસીના 6 કરોડથી વધારે ડોઝ સપ્લાય કરી ચૂક્યો છે. દુનિયામાં બીજા કોઈ પણ દેશે આટલા મોટા પ્રમાણમાં કોરોના-રસીની વિદેશમાં સપ્લાય કરી નથી. ભારત આ વર્ષની 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને ત્યારબાદ અમુક જ દિવસોમાં તેણે પડોશના દેશો સહિત ભાગીદાર દેશોને રસી પહોંચાડવું પણ શરૂ કર્યું હતું.