દેશમાં દીપડાઓની સંખ્યા વધી, સિદ્ધિસમાનઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં એમના આખરી ‘મન કી બાત’ માસિક રેડિયો કાર્યક્રમમાં આજે સવારે સંબોધન કર્યું હતું અને દેશમાં દીપડાઓની સંખ્યા વિશે જણાવ્યું હતું. એમણે કહ્યું કે 2014 અને 2018 વચ્ચેના સમયગાળામાં દેશમાં દીપડાઓની સંખ્યા 60 ટકા વધી છે. આ મોટી સિદ્ધિની બાબત ગણાય. આજે ‘મન કી બાત’ કાર્યક્રમની 72મી આવૃત્તિ હતી.

મોદીએ કહ્યું કે, 2014માં દેશમાં દીપડાઓની સંખ્યા 7,900 હતી, જે 2019માં વધીને 12,852 થઈ હતી. જિમ કોર્બેટે કહ્યું હતું કે જે લોકોએ દીપડાને વનમાં મુક્તપણે વિહરતો જોયો નથી, તેઓ એની સુંદરતાની કલ્પના કરી શકે નહીં… દીપડાના ચટ્ટાપટ્ટા રંગોવાળા શરીરની કલ્પના કરી શકે નહીં.