11 દિવ્યાંગ-વંચિત યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

ઉદયપુરઃ નારાયણ સેવા સંસ્થાન (NSS) એક સંસ્થા તરીકે દિવ્યાંગજનો અને વંચિતોની સંપૂર્ણ સુખાકારી માટે સામુદાયિક ઉત્થાન માટેની કામગીરી અદા કરવામાં હંમેશા મોખરે રહે છે. NSS સંસ્થા પોલિયો અને જન્મજાત વિકલાંગતાથી પીડિત વ્યક્તિઓના ઉત્થાન માટે કામ કરે છે. સંસ્થાએ આ પ્રકારની વ્યક્તિઓને મદદ કરવા ઉદેપુરમાં 35મો સમૂહલગ્ન સમારંભ યોજ્યો હતો, જેમાં 11 દિવ્યાંગ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા અને ‘દહેજપ્રથાને જાકારો આપવાની’ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સમારંભ દરમિયાન NSSએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યું હતું.

કોવિડ-19ને કારણે સમૂહ લગ્ન સમારંભ સાદગીપૂર્ણ રાખવામાં આવ્યો હતો, જેમાં દંપતિના અતિ નિકટના સગાસંબંધીઓ જ સામેલ થયા હતા. આ પ્રસંગે તમામ નવદંપતિઓને કન્યાદાન સ્વરૂપે ઘરગથ્થું ઉપકરણો અને ભેટસોગાદો આપવા NSSના દાતાઓ આગળ આવ્યા હતા.

આ પ્રસંગે લગ્નગ્રંથિથી જોડાયેલા પૂજા અને કમલેશએ NSS સાથે એમનો અનુભવ જણાવ્યો હતો. પોતાના પરિવારમાં સૌથી નાની પુત્રી પૂજાએ કહ્યું હતું કે, “મેં એક અકસ્માતમાં મારો પગ ગુમાવ્યો હતો. પછી નારાયણ સેવા સંસ્થાને મારી સર્જરી નિઃશુલ્ક કરાવી હતી, નહીં તો મને અને મારા પરિવારને ઘણો ખર્ચ કરવો પડ્યો હોત. મને ખુશી છે કે, હું હવે આ સર્જરીને કારણે સારું જીવન જીવી શકું છું. મને મારા જીવનસાથી કમલેશજ મળ્યાં એની બહુ ખુશી છે.”

બીજી તરફ, કમલેશનું જીવન એક સાંધે ને તેર તૂટે એવું હતું. માત્ર 3 વર્ષની ઉંમરમાં એને પોલિયો થયો હતો. સંસ્થાએ એનું ઓપરેશન કરાવ્યું હતું અને અત્યારે કાખઘોડીની મદદથી ચાલી શકે છે. ઘણા અવરોધો પછી કમલેશે વર્ષ 2017માં ઉત્કૃષ્ટ પરિણામો સાથે સતત અભ્યાસ કર્યો હતો અને પંચાયતમાં સહાયક તરીકે નોકરી મળી હતી.

કમલેશે કહ્યું હતું કે, “વિકલાંગતા કે દિવ્યાંગતા શારીરિક સમસ્યા જ છે, નહીં કે બિમારી. હું હંમેશા મનથી મજબૂત છું અને મને મજબૂત બનાવતા પડકારો ઝીલવા આતુર રહું છું. મેં કરિયાણા સ્ટોર સાથે મારો પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને પછી મને પંચાયતમાં સહાયક તરીકે નોકરી મળી હતી. મને બહુ ખુશી છે કે, NSS જેવી સંસ્થાઓ કામ કરે છે, જે વંચિતોની મદદ કરે છે અને તેમના જીવનને દિશા આપે છે. મને ખુશી છે કે, મને જીવનસાથી મળી છે, જે મને સાથસહકાર આપે છે.”

નારાયણ સેવા સંસ્થાનના પ્રમુખ પ્રશાંત અગ્રવાલે કહ્યું, “સમૂહલગ્ન સમારંભ અમારી મુખ્ય કામગીરીઓમાં સામેલ છે. અમારું ‘દહેજપ્રથાને જાકારો આપો’ અભિયાન મુખ્ય છે, જે છેલ્લાં 18 વર્ષથી ચાલે છે. અત્યાર સુધીમાં 2098 યુગલોના લગ્ન કરાવ્યાની અમને બહુ ખુશી છે. તમામને કાયમી આજીવિકા પ્રદાન કરવા અમે કરેક્ટિવ સર્જરીઓથી લઈને કૌશલ્ય વિકાસ માટેના વર્ગો, પ્રતિભાઓને ખીલવવાની કામગીરીઓની સાથે સમૂહલગ્ન સમારંભોનું આયોજન કરીએ છીએ. અમે નારાયણ સેવા સંસ્થાનમાં દિવ્યાંગજનો અને વંચિત લોકોને સક્ષમ બનાવીને અને તેમને કાયમી આજીવિકા પૂરી પાડીને તેમની સેવા કરીએ છીએ.”

રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત અને અન્ય કેટલાંક રાજ્યોના યુગલોએ તેમને લગ્નમાં મદદ કરવા NSSનો સંપર્ક કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]