‘ચીનમાં કોરોનાનો નવો-ફેલાવોઃ ભારતે ડરવાની જરૂર નથી’

પુણેઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદર પૂનાવાલાએ ચીનમાં કોરોનાવાઈરસના ફરી વધી ગયેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પણ કહ્યું છે કે, ‘ભારતમાં રસીકરણનું કવરેજ ઉત્તમ રહ્યું હોવાથી ભારતવાસીઓએ ડરવાની જરૂર નથી. આપણે ભારત સરકાર તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નક્કી કરેલી માર્ગદર્શિકા પર ભરોસો મૂકવાનો છે અને તેનું પાલન કરવાનું છે.’

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ મહામારીના ઉપદ્રવ વખતે પુણેની SII કંપનીએ બ્રિટનની ઓક્સફર્ડ યૂનિવર્સિટી તથા ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે મળીને કોવિશીલ્ડ રસી બનાવી હતી. 2021ના ડિસેમ્બરમાં SIIએ રસી બનાવવાનું બંધ કરી દીધું હતું. ભારતમાં અત્યાર સુધીમાં બે અબજ 20 કરોડ 20 લાખથી વધારે કોવિડ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. 4 કરોડ 41 લાખ, 42 હજારથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે.