કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ગઈ કાલે જાહેર કરાયેલા 292 બેઠકોના પરિણામમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ 213 બેઠક જીતીને પોતાની સત્તા સતત ત્રીજી વાર જાળવી રાખી છે. ટીએમસીનાં પ્રમુખ અને મુખ્ય પ્રધાન મમતા બેનરજીને પડકાર ફેંકનાર ભારતીય જનતા પાર્ટીએ 77 બેઠક જીતી છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને એકેય બેઠક મળી નથી. ટીએમસીએ અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે, પણ બેનરજીનો નંદીગ્રામ બેઠક પર ભાજપના સુવેન્દુ અધિકારી સામે 1,736 મતોથી પરાજય થયો છે. જોકે ટીએમસી પાર્ટીએ આ ચુકાદાને સ્વીકાર્યો નથી. નંદીગ્રામના રિટર્નિંગ ઓફિસરે ફેર-મતગણતરીની ટીએમસીની માગણીને નકારી કાઢી છે. હવે મમતા બેનરજી આ ચુકાદાને કોર્ટમાં પડકારવાનાં છે.
બેનરજીનો દાવો છે કે મને એક એસએમએસ મળ્યો હતો, જેમાં જણાવાયું છે કે, રિટર્નિંગ ઓફિસરે કોઈકને લેખિતમાં જણાવ્યું હતું કે જો તે ફેર-મતગણતરીની પરવાનગી આપશે તો એમનો જાન જોખમમાં આવી જશે. બેનરજીએ એમ પણ કહ્યું છે કે આ મામલામાં મેલી રમત રમાઈ છે. સર્વર ચાર કલાક માટે ડાઉન હતું. રાજ્યનાં ગવર્નરે પણ મને મારી જીત બદલ અભિનંદન આપી દીધા હતા. પરંતુ તે પછી અચાનક બધું બદલાઈ ગયું હતું. ટીએમસી પાર્ટીના ટ્વિટર હેન્ડલ ઉપર આજે પણ ગઈકાલવાળો સંદેશ યથાવત્ રાખી મૂકવામાં આવ્યો છે, જેમાં લખેલું છે કે નંદીગ્રામ માટે કાઉન્ટિંગ પ્રક્રિયા હજી પૂરી થઈ નથી. મહેરબાની કરીને અફવા ફેલાવશો નહીં.
The counting process for Nandigram has not been completed. Please do not speculate.
— All India Trinamool Congress (@AITCofficial) May 2, 2021