મહારાષ્ટ્ર, દિલ્હીમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાતા રાહત

મુંબઈઃ મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાવાઈરસ બીમારીના તેમના દૈનિક કેસોની સંખ્યા ગઈ કાલે ઘટી ગયેલી નોંધાઈ હતી. આનાથી દેશભરની જનતાને થોડીક રાહત થઈ છે. તે છતાં કેસોમાં નોંધાયેલો આ ઘટાડો સપ્તાહાંતના દિવસોએ ટેસ્ટિંગની સંખ્યામાં થયેલા ઘટાડાને કારણે પણ હોઈ શકે છે, કારણ કે ટેસ્ટિંગ ઘટે એટલે કોરોનાના કેસોની સંખ્યા પણ ઘટી જતી હોય છે.

ભારતમાં હાલ કોરોના રોગચાળાના કુલ સક્રિય કેસોની સંખ્યા 34 લાખ છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કોરોનાના કેસ ગઈ કાલે ઘટ્યા હતા, પણ બિહાર, રાજસ્થાન, હરિયાણા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં દૈનિક સંક્રમણના કેસમાં વધારો નોંધાયો હતો.