નવી દિલ્હીઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભારત જ નહીં, પણ વિદેશમાંથી પણ લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. મંદિરની સ્થાપનાથી અયોધ્યાનો ઘણો આર્થિક વિકાસ થશે. દેશમાં હાલમાં ધાર્મિક ટુરિઝમે આર્થિક વિકાસના નવાં દ્વાર ખોલ્યાં છે.
દેશના દરેક રાજ્યમાં કોઈ ને કોઈ તીર્થ સ્થળ છે. આ તીર્થ સ્થાનોની આસપાસ રહેતા લોકો માટે એ મંદિર રોજગારીનો સ્રોત પણ છે. આ તીર્થ સ્થળને કારણે સ્થાનિક લોકોને ફૂલ, પ્રસાદ વેચવા જેવા નાનામોટા કામ કરીને કમાણીની તક મળી જાય છે.
વિવિધ ધાર્મિક પરંપરાઓને કારણે ભારત વિશ્વભરમાંથી લાખો તીર્થ યાત્રીઓ અને પર્યટકોને આકર્ષિત કરે છે. અજમેર શરીફ, સારનાથ, મહાબોધિ મંદિર, તિરુપતિ બાલાજી, સુવર્ણ મંદિર વૈષ્ણોદેવી સહિત ભારતના વિવિધ તીર્થ સ્થળોએ પર્યટકો અને શ્રદ્ધાળુઓની આવ-જા થતી રહે છે.
દેશમાં મોટા ભાગના મધ્યમવર્ગના પરિવારો મંદિરોની યાત્રા કરે છે, જેથી એ યાત્રાને બહાને એક તીર્થ સ્થળ અને એ વિસ્તાર પણ ફરી શકાય. વર્ષ 2022માં દેશમાં 1731 મિલિયનથી વધુ ઘરેલુ પર્યટકો આવ્યા, જેમાં 30થી વધુ પર્યટકોએ ધાર્મિક સ્થળોની યાત્રા કરી હતી.
ધાર્મિક ટુરિઝમને મામલે પર્યટન મંત્રાલયના નવા આંકડા હેરાન કરનારા છે. વર્ષ 2022માં મંદિરોની કુલ કમાણી રૂ. 1.34 લાખ કરોડ થઈ હતી, જે વર્ષ 2021માં રૂ. 65,000 લાખ હતી. એ પહેલાં 2020માં રૂ. 50,136 કરોડ, 2019માં રૂ. 2,11,661 કરોડ અને 2018માં રૂ. 1,94,881 કરોડની કમાણી હતી. આ તીર્થ સ્થળોની કમાણી બે ગણી ઝડપથી આગળ વધી રહી છે.
વર્ષ 2022માં ઉત્તરાખંડના ચાર ધામોની યાત્રા કરવા આશરે 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જે આંકડો 2019માં 32 લાખ હતો. આ સાથે વર્ષ 2022ના જુલાઈમાં વારાણસીમાં 40.03 લાખ ઘરેલુ પર્યટકો પહોંચ્યા હતા, જ્યારે એક વર્ષ પહેલાં જુલાઈ, 2021માં એ આંકડો 4.61 લાખનો હતો.