લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં બળવો

નવી દિલ્હીઃ હાલના સમયે સિમલામાં જબરદસ્ત રાજકીય હલચલ છે. કોંગ્રેસ સરકાર બચાવવા માટે હવાતિયાં મારી રહી છે. ભાજપ હાલ થોભો અને રાહ જુઓની મુદ્રામાં છે. ભાજપ પાસે હિમાચલમાં 25 જ વિધાનસભ્યો છે, તેમ છતાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહાજનને જિતાડવામાં સફળ રહ્યો છે. કોંગ્રેસના છ વિધાનસભ્યોએ ક્રોસ મતદાન કર્યું છે.

ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે તેના બધા આઠે ઉમેદવારોને જિતાડ્યા છે. ભાજપને આઠમા ઉમેદવારને જિતાડવા માટે નવ મતોની જરૂર હતી. એ પછી પણ ભાજપે 10 મતોના અંતરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારને હરાવ્યો હતો. SPના છ બળવાખોર વિધાનસભ્યો ઉપ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠકની સાથે વિધાનસભામાં મત આપવા પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથના ચક્રવ્યૂહમાં અખિલેશ યાદવની સાઇકલ ખરાબ રીતે ફસાઈ ગઈ.

ક્રોસ વોટિંગ તો કર્ણાટકમાં પણ થયું, પરંતુ એનાથી ચૂંટણીનાં પરિણામો પર ફોઈ ફરક ના પડ્યો.કર્ણાટકમાં રાજ્યસભાની ચાર સીટો પર મતદાન થયું, એમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપને એક સીટ મળી. જનતા દળ-એસનો ઉમેદવાર હારી ગયો હતો.

બિહારમાં RJD વિધાનસભ્ય સંગીતા કુમારી અને કોંગ્રેસના બે વિધાનસભ્યો મુરારી પ્રસાદ ગૌતમ અને સિદ્ધાર્થ સૌરવ ભાજપમાં સામેલ થયા. બિહારમાં કોંગ્રેસના કુલ 19 વિધાનસભ્યો છે અને લોકસભા ચૂંટણી પહેલાં 19માંથી 12 વિધાનસભ્યો કોંગ્રેસ છોડે એવી શક્યતા છે.

બિહાર સિવાય મહારાષ્ટ્રમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બસવરાજ પાટિલ પણ પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા છે. તેઓ મંત્રી રહી ચૂક્યા છે. આ પહેલાં ભૂતપૂર્વ CM અશોક ચવ્હાણ અને મિલિંદ દેવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં અને શિવસેનામાં સામેલ થયા છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે.